ભારતીય અબજોપતિ ગૌતમ અદાણીની મુશ્કેલીઓ ઓછી થતી જણાતી નથી. અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગ દ્વારા હિંડનબર્ગ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યા પછી અદાણી ગ્રુપના શેરમાં સતત ઘટાડો થવાને કારણે અદાણી ગ્રૂપનું માર્કેટ કેપ હવે 100 અબજ ડોલરની નીચે આવી ગઈ છે. એટલું જ નહીં, ગૌતમ અદાણી પણ અબજોપતિઓની યાદીમાં સતત નીચે સરકી રહ્યા છે અને હવે 26માં નંબરે પહોંચી ગયા છે.
ક્યાંથી ક્યાં પહોંચ્યું કુલ MCap?
અદાણી ગ્રુપની 10 કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને રૂ. 8,20,915 કરોડ થઈ ગયું છે. ડોલરની તુલનામાં રૂપિયાનું તાજેતરનું મૂલ્ય જોઈએ તો 100 અબજ ડોલર (રૂ. 82,79,70 કરોડ)ની નીચે પહોંચી ગયું છે. 24 જાન્યુઆરીના રોજ અમેરિકા સ્થિત રિસર્ચ ફર્મ હિન્ડેનબર્ગના રિપોર્ટ બાદથી, અદાણી ગ્રુપના કુલ માર્કેટ કેપમાં 133 અબજ ડોલરનો ઘટાડો થઈ ચુક્યો છે.
કંપનીઓનું શેર માર્કેટમાં જબરદસ્ત ધોવાણ
મીડિયા રિપોર્ટ મુજબ, ત્રણ મોટી કંપનીઓ અદાણી એન્ટરપ્રાઇઝ (રૂ. 2.08 લાખ કરોડ), અદાણી ટ્રાન્સમિશન (રૂ. 2.14 લાખ કરોડ) અને અદાણી ગ્રીન એનર્જીની માર્કેટ મૂડી રૂ. 2.13 લાખ કરોડ નોંધાઈ હતી. હિંડનબર્ગના રિપોર્ટથી, આ ત્રણેય જૂથની દરેક કંપનીઓના બજાર મૂલ્યમાં રૂ. 2 લાખ કરોડથી વધુનો ઘટાડો થયો છે. અન્ય કંપનીઓના મૂલ્ય પર નજર કરીએ તો, અદાણી પાવરના એમકેપમાં રૂ. 39,977 કરોડનો ઘટાડો થયો છે, અદાણી પોર્ટ્સ એન્ડ SEZનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 36,938 કરોડથી નીચે, આવી ગયું છે. તે જ પ્રકારે અંબુજા સિમેન્ટ્સનું માર્કેટ કેપ રૂ. 27,690 કરોડથી નીચે અને અદાણી વિલ્મર નું માર્કેટ કેપ રૂ. 17,942 કરોડથી નીચે પહોંચી ગયું છે.