Adani Group:હિંડનબર્ગ બાદ હવે OCCRPએ ફોડ્યો બોંબ, Adaniના શેરોમાં થયો હતો મોટો ખેલ, જાણો શું નવા ખુલાસા થયા?


  • Published By :
  • Published Date : 2023-08-31 16:17:00

અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગે અદાણી ગ્રૂપ પર ગેરરીતિનો આરોપ લગાવ્યાના અહેવાલ બાદ હવે OCCRPએ અદાણી ગ્રૂપ પર નવો ખુલાસો કર્યો છે. ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ (OCCRP) એ અદાણી ગ્રુપ પર નવો બોમ્બ ફોડ્યો છે. OCCRP એ વિશ્વભરના ઈન્વેસ્ટિગેટીવ પત્રકારોનું ગ્રૂપ છે. તેને કેટલાક નવા દસ્તાવેજો મળ્યા છે, જે અંગ્રેજી અખબારો ધ ગાર્ડિયન અને ફાઈનાન્સિયલ ટાઈમ્સ સાથે શેર કરવામાં આવ્યા છે. આ બંને અખબારોએ આ દસ્તાવેજોને ટાંકીને ઘણા મોટા દાવા કર્યા છે. કેટલાક દસ્તાવેજોને ટાંકીને વિદેશી મીડિયાએ અદાણી ગ્રૂપ સાથે સંકળાયેલા લોકો પર તેમના પોતાના શેર ખરીદીને ભારતીય શેરબજારમાં કરોડો ડોલરનું રોકાણ કરવાનો આરોપ લગાવ્યો છે. જેમાં મોરેશિયસમાં અદાણી ગ્રુપ દ્વારા કરવામાં આવેલા ટ્રાન્ઝેક્શનની વિગતો જાહેર કરવામાં આવી છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ગ્રૂપની કંપનીઓએ 2013થી 2018 દરમિયાન ગુપ્ત રીતે તેમના શેર ખરીદ્યા હતા. જોકે, અદાણી ગ્રુપે એક નિવેદન જારી કરીને ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટના આરોપોને નકારી કાઢ્યા છે. ચાલો સમજીએ કે અદાણી ગ્રુપને લઈને આ નવો વિવાદ શું છે?


ધ ગાર્ડિયનના દસ્તાવેજોમાં શું છે?


બ્રિટનના પ્રખ્યાત અખબાર ધ ગાર્ડિયને દસ્તાવેજોના આધારે લખ્યું છે કે અદાણી પરિવાર સાથે જોડાયેલા લોકોએ વર્ષોથી અદાણી ગ્રુપની કંપનીઓમાં સ્ટોક મેળવ્યો હશે. હિંડનબર્ગ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે અદાણી ગ્રૂપના શેરમાં ખાલમેલ થઈ હતી. અને ઓફશોર કંપનીઓનો ઉપયોગ કંપનીના પોતાના શેર ખરીદવા માટે કરવામાં આવ્યો હતો, જેના કારણે અદાણી ગ્રુપની કંપનીઓના વેલ્યુએશનમાં અનેક ઘણો વધારો થયો હતો.


નવા આરોપો શું છે?


અખબાર લખે છે કે હવે જે દસ્તાવેજો બહાર આવ્યા છે તે મોરેશિયસમાં એક જટિલ ઓફશોર ઓપરેશનનને ઉજાગર કરે છે. એવું લાગે છે કે આ પ્રવૃત્તિઓ અદાણી પરિવારના લોકો દ્વારા ઓપરેટ કરવામાં આવી રહી હતી. કથિત રીતે, આ પ્રવૃત્તિઓ વર્ષ 2013 થી 2018 દરમિયાન અદાણી ગ્રૂપની કંપનીઓના શેરના ભાવને ટેકો આપવા (શેરનો ભાવ વધારવા) માટે થઈ હતી. અત્યાર સુધી મોરેશિયસનું આ નેટવર્ક અભેદ્ય હતું. આ રેકોર્ડ્સ પરથી એવા મજબૂત પુરાવા પણ મળે છે કે ગૌતમ અદાણીના ભાઈ વિનોદ અદાણીની આ કામગીરીમાં મહત્વની ભૂમિકા હતી. જોકે અદાણી જૂથ કહેતું રહ્યું છે કે કંપનીના રોજબરોજના કામકાજમાં વિનોદ અદાણીની કોઈ ભૂમિકા નથી.


-દસ્તાવેજોમાં, વિનોદ અદાણીના બે નજીકના સહયોગીઓને તે ઓફશોર કંપનીઓના એકમાત્ર લાભાર્થી તરીકે નામ આપવામાં આવ્યું છે. તેમના દ્વારા જ નાણાનો  પ્રવાહ વહાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત દસ્તાવેજો અને ઈન્ટરવ્યુ પરથી એવું સમજાય છે કે અદાણીના શેરમાં મોરેશિયસની બે ફંડિંગ કંપનીઓ દ્વારા કરાયેલા રોકાણની દેખરેખ દુબઈ સ્થિત કંપની દ્વારા કરવામાં આવી હતી. આ કંપની વિનોદ અદાણીનો એક ઓળખતો કર્મચારી ચલાવતો હતો.


 - અખબારે તે પણ લખ્યું છે કે OCCRPને એક પત્ર મળ્યો છે, તેને ગાર્ડિયને પણ જોયો છે. જે મુજબ, Securities and Exchange Board of India (SEBI)ને 2014 ની શરૂઆતમાં અદાણી ગ્રુપ દ્વારા કથિત શંકાસ્પદ પુરાવા સોંપવામાં આવ્યા હતા. પરંતુ પાછળથી SEBIએ આ મામલે કોઈ રસ દાખવ્યો નહોંતો.


-દસ્તાવેજો વર્ષ 2010 માં કંપનીઓનું જટિલ નેટવર્ક દર્શાવે છે. તે સમયે, અદાણી ગ્રૂપના બે સહયોગીઓ - ચાંગ ચુંગ-લિંગ અને નસીર અલી શાબાન અહલીએ મોરેશિયસ અને UAEમાં ઓફશોર શેલ કંપનીઓ બનાવવાનું શરૂ કર્યું હતું. આ ફાયનાન્સિયલ રેકોર્ડ દર્શાવે છે કે ચાંગ અને નસીર દ્વારા શરૂ કરવામાં આવેલી  ચાર ઓફશોર કંપનીઓ ગ્લોબલ ઓપર્ચ્યુનિટીઝ ફંડ (GOF)માં કરોડો ડોલર મોકલવાનું શરૂ કર્યું હતું, આ GOF બર્મુડા સ્થિત એક મોટું ઈન્વેસ્ટમેન્ટ ફંડ છે. અને ત્યાર પછી આ પૈસાથી વર્ષ 2013 બાદ ભારતીય શેરબજારમાં રોકાણ કરવામાં આવ્યું. નસીર અને ચાંગ અદાણી સાથે જોડાયેલી કંપનીઓના ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે.


-આ રોકાણમાં એક બીજી બાબતમાં પણ ગડબડ છે. રેકોર્ડ્સ દર્શાવે છે કે ચાંગ અને નસીરની ઓફશોર કંપનીઓમાંથી GOFને જે નાણાં ગયા હતા તે GOF સાથે જોડાયેલી બે ફંડિંગ કંપનીઓ-  ઇમર્જિંગ ઇન્ડિયા ફોકસ ફંડ્સ (EIFF) અને EM રિસર્જન્ટ ફંડ (EMRF)માં ગયા હતા -. અને એવું લાગે છે કે વર્ષોથી EIFF અને EMRF એ અદાણી ગ્રૂપની ચાર કંપનીઓ- અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, અદાણી પાવર અને બાદમાં અદાણી ટ્રાન્સમિશનના શેર ખરીદ્યા છે. રેકોર્ડ્સ દર્શાવે છે કે ઓફશોર કંપનીઓમાંથી નાણા ગુપ્ત રીતે શેર બજારમાં લિસ્ટેડ કંપનીઓના શેરોમાં રોકાણ કરવામાં આવ્યા હોવાની આશંકા છે.


-અખબારના જણાવ્યા મુજબ, એવું લાગે છે કે આ બંને ફંડ્સ - EIFF અને EMRF દ્વારા લેવામાં આવેલા રોકાણના નિર્ણયો, વિનોદ અદાણીના એક ઓળખીતા કર્મચારી અને એક સહયોગી દ્વારા નિયંત્રિત ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝરી કંપની દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. એવું પણ લાગે છે કે મે 2014માં EIFF પાસે 190 મિલિયન ડોલર એટલે કે 1 હજાર 570 કરોડથી વધુ મૂલ્યના અદાણી ગ્રુપની ત્રણ કંપનીઓના શેર હતા. જ્યારે EMRF એ તેના સમગ્ર પોર્ટફોલિયોનો લગભગ બે તૃતીયાંશ હિસ્સો અદાણીના  70 મિલિયન ડોલર (રૂ. 578 કરોડ)ના શેરમાં રોકાણ કર્યો છે. એવું પણ જણાય છે કે બંને ફંડોએ આ નાણાનો જે  ઉપયોગ કર્યો હતો તે ચાંગ અને નસીર દ્વારા સંચાલિત કંપનીઓમાંથી આવ્યા હતા.


- મે 2014નો એક અલગ રેકોર્ડ દર્શાવે છે કે ચાંગ અને નસીરની 4 ઓફશોર કંપનીઓએ અદાણીના શેર્સમાં લગભગ 260 મિલિયન ડોલર (રૂ. 2 હજાર 149 કરોડ)નું રોકાણ કર્યું હતું. દસ્તાવેજો દર્શાવે છે કે આ રોકાણ આગામી ત્રણ વર્ષમાં વધતું જણાયું છે: માર્ચ 2017 સુધીમાં, ચાંગ અને નસીરની ઓફશોર કંપનીઓએ અદાણી ગ્રુપના શેર્સમાં 430 મિલિયન ડોલર (રૂ. 3,555 કરોડ)નું રોકાણ કર્યું હતું. આ તેમના પોર્ટફોલિયોની સંપુર્ણ 100 ટકા રકમ છે.


ભારતમાં શું નિયમો છે?


જ્યારે ભારતમાં એવો નિયમ છે કે કોઈપણ કંપનીના 25 ટકા શેર "ફ્રી ફ્લોટ" રાખવા જોઈએ. આનો અર્થ એ છે કે 25 ટકા શેર સ્ટોક એક્સચેન્જમાં જાહેર ટ્રેડિંગ માટે ઉપલબ્ધ છે. જ્યારે 75 ટકા શેર પ્રમોટરો પાસે હોઈ શકે છે. મતલબ એવા લોકો કે જેમની કંપની સાથે સીધી ભાગીદારી છે. વિનોદ અદાણીને તાજેતરમાં ગ્રુપ દ્વારા પ્રમોટર તરીકે સ્વીકારવામાં આવ્યા છે. જો કે, રેકોર્ડ્સ દર્શાવે છે કે જ્યારે નસીર અને ચાંગ પાસે EIFF અને EMRF દ્વારા અદાણીની ચાર કંપનીના 8 ટકાથી 13.5 ટકા સુધી 'ફ્રી ફ્લોટિંગ શેર્સ' હતા.  અને આ સ્થિતીમાં જો તેમની હોલ્ડિંગ્સ, એ રીતે વર્ગીકૃત કરવામાં આવી હતી કે વિનોદ અદાણી પ્રોક્સિસ દ્વારા સંચાલિત કરવામાં આવે છે ત્યારે અદાણી ગ્રૃપના પ્રમોટરોનું હોલ્ડિંગ્સ 75 ટકાની  લિમિટનું ઉલ્લંઘન કરે છે.


જ્યારે ધ ગાર્ડિયન દ્વારા ફોન પર સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે ચાંગે અદાણી ગ્રૂપના શેરમાં તેમની કંપનીના રોકાણ અને વિનોદ અદાણી સાથેના તેમના સંબંધોની વિગતો આપતા દસ્તાવેજોની ચર્ચા કરવાનો ઇનકાર કર્યો હતો. એ જ રીતે, અખબારે નસીર સાથે પણ વાત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ જવાબ મળ્યો નહોતો.


આ મામલે અદાણી ગ્રુપે શું કહ્યું?


આ નવા દસ્તાવેજોના આધારે કરવામાં આવેલા આરોપો અંગે અદાણી જૂથે કહ્યું છે કે નવા પુરાવા અને દાવાઓ કંઈ નથી પરંતુ હિંડનબર્ગ રિપોર્ટમાં કરવામાં આવેલા પાયાવિહોણા આરોપોનું પુનરાવર્તન છે. એવું પણ લખવામાં આવ્યું છે કે હિંડનબર્ગ રિપોર્ટનો અમારો પ્રતિભાવ અમારી વેબસાઇટ પર ઉપલબ્ધ છે. અદાણી ગ્રૂપ અને તેના પ્રમોટર્સ સામેના આ આરોપોમાં ન તો કોઈ સત્ય છે કે ન તો કોઈ આધાર છે અને અમે તે તમામને સ્પષ્ટપણે નકારીએ છીએ.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?