અમેરિકાની જાણીતી શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગ રિસર્ચના એક રિપોર્ટમાં અદાણી ગ્રૂપને હચમચાવી નાખ્યું છે. અદાણી ગ્રુપની માર્કેટ વેલ્યુને 120 અબજ ડોલરથી વધુનું નુકસાન થયું છે. સ્થિતીએ સર્જાઈ છે કે અદાણી ગ્રુપ પોતાનો રેવન્યુ ગ્રોથ ટારગેટ ઘટાડવા અને કેપેક્સમાં કાપ મુકવાની યોજના બનાવી રહ્યું છે. બ્લુમબર્ગના એક રિપોર્ટના જણાવ્યા મુજબ અદાણી ગ્રુપએ આગામી વર્ષમાં 40 ટકા ગ્રોથનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું જે હવે ઘટાડીને 15થી 20 ટકા કરી શકાય છે. તે સાથે જ કેપિટલ એક્સપેંડિચર પ્લાનમાં ઘટાડો કરવાની પણ યોજના છે. રિપોર્ટ મુજબ અદાણી ગ્રુપનું ફોકસ હવે કેશ બચાવવા, દેવાની ચૂકવણી અને ગીરો રાખેલા શેરોને છોડાવવા પર હશે. બ્લુમબર્ગની રિપોર્ટના જણાવ્યા પ્રમાણે જો અદાણી ગ્રુપ ત્રણ મહિના માટે મૂડીરોકાણને રોકશે તો તે 3 અબજ ડોલરની બચત કરી શકે છે. આ રકમનો ઉપયોગ દેવાની ચૂકવણી કે કેશ વધારવામાં ઉપયોગ કરી શકે છે.
3 કંપનીઓનાં વધુ શેર ગીરો મુક્યા
બ્લુમબર્ગના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અદાણી ગ્રુપ હાલમાં આ યોજનાઓની સમીક્ષા કરી રહ્યું છે અને આગામી દિવસોમાં તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવી શકે છે. દરમિયાન અદાણી ગ્રૂપની ત્રણ કંપનીઓએ તેમના વધારાના શેર બેન્કો પાસે ગીરવે મૂક્યા છે. આ બેંકોએ અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝને લોન આપી છે. આ કંપનીઓએ તેમના શેર SBICAP ટ્રસ્ટી કંપની પાસે ગીરવે મૂક્યા છે. તેમાં અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (APSEZ),અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ અને અદાણી ગ્રીન એનર્જી લિ.નો સમાવેશ થાય છે.