વૈશાલી ઠક્કરના નિધનના બે દિવસ બાદ પોલીસે રાહુલ નવલાનીને પકડી પાડ્યો
રાહુલને ઓનલાઈન કોર્ટ સમક્ષ હાજર કરવાનું પ્લાનિંગ કરી રહેલી પોલીસને કોર્ટનો ઠપકો
રાહુલ નવલાની અને તેની પત્ની દિશા છેલ્લા અઢી વર્ષથી વૈશાલી ઠક્કરને ધમકાવતા હતા
16 ઓક્ટોબરે વૈશાલી ઠક્કરે જીવન ટૂંકાવ્યા બાદ 19 ઓક્ટોબરે આરોપી રાહુલ નવલાનીની ધરપકડ કરવામાં આવી હતી. રાહુલને હાલમાં જ પોલીસે કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો અને ત્યાં તેના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. અઢી વર્ષથી રાહુલ અને પત્ની દિશા વૈશાલીને પરેશાન કરતો હોવાનો આરોપ છે
'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' અને 'સસુરાલ સિમર કા' જેવી સીરિયલોમાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ વૈશાલી ઠક્કરનો મૃતદેહ ગત રવિવારે તેના ઈન્દોર સ્થિત ઘરેથી મળી આવ્યો હતો. તેણે અવળું પગલું ભરવા માટે પરિણીત પાડોશી રાહુલ નવલાની અને પત્ની દિશાને જવાબદાર ગણાવ્યા હતા. ઘટના વિશે જાણ થતાં જ બંને ઘર છોડીને ભાગી ગયા હતા. જો કે, પોલીસે બે દિવસ પહેલા રાહુલને પકડી પાડ્યો હતો, જે હાલ 4 દિવસના પોલીસ રિમાન્ડ પર છે. રિપોર્ટ્સ પ્રમાણે, પોલીસ રાહુલને ઓનલાઈન કોર્ટ સમક્ષ હાજર કરવાના પ્લાનિંગમાં હતી, જેના પર તેમણે ઠપકો સાંભળવો પડ્યો હતો. ત્યારબાદ તેને 10 મિનિટની અંદર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસ વિરુદ્ધ પુરાવા મેળવવા માટે 10 દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા હતા. જો કે, કોર્ટે માત્ર 4 દિવસના રિમાન્ડની જ મંજૂરી આપી હતી.
કોર્ટે મંજૂર કર્યા રાહુલ નવલાનીના 4 દિવસના રિમાન્ડ
રાહુલ નવલાની અને દિશા અઢી વર્ષથી વૈશાલી ઠક્કરને પરેશાન કરી રહ્યા છે. બંને ભેગા મળીને દિવંગત એક્ટ્રેસના લગ્ન તોડવા માગચા હતા. તેઓ તેને ધમકી આપતા હતા અને નવેમ્બરમાં જે છોકરા સાથે લગ્ન થવાના હતા તેને તેના ફોટો પણ મોકલ્યા હતા. વૈશાલીના ભાઈ નિરજે પણ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, 'રાહુલ તેને ઘણીવાર ધમકાવતો હતો કે તારું ઘર નહીં વસવા દઉં...લગ્ન નહીં થવા દઉં. ડાયરીમાં વૈશાલીએ બધા સંબંધો વિશે લખ્યું છે'. તો વૈશાલીના માતાએ કહ્યું હતું કે, જ્યારે આરોપીને સજા મળશે ત્યારે જ તેમની દીકરીની આત્માને શાંતિ મળશે.
પોલીસને મદદ કરવાની નિશાંતે દર્શાવી તૈયારી
સીરિયલ 'રક્ષાબંધન'ના કો-એક્ટર નિશાંત સિંહ મલ્ખાનીએ અમારા સહયોગી ઈટાઈમ્સ ટીવી સાથે વાતચીત કરતાં વૈશાલી ઠક્કરના જીવનમાં શું ચાલી રહ્યું હતું તે વિશે જાણતો હોવાનો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું કે 'રાહુલ વિશે હું બધું જાણું છું, જે તેની પજવણી કરતો હતો, મને ઊંડાણમાં બધી ખબર છે. મારા પર વિશ્વાસ રાખીને તે બધું મને જણાવતી હતી તેથી તેના અંગત જીવનની વાતો લીક ન કરવી તે મારી ડ્યૂટી હતી. પરંતુ જ્યારે તે વ્યક્તિના લીધે વૈશાલીએ આ નિર્ણય લીધો છે, ત્યારે હું મારું શ્રેષ્ઠ આપીશ અને તે વ્યક્તિ સામે લડીશ તેમજ મારી મિત્ર સાથે ઉભો રહીશ. જો મને કોઈ પૂછશે તો હું વિગતવાર માહિતી આપીશ અને તપાસમાં મદદ કરીશ'.