બોલિવુડમાં પોતાની કિસ્મત અજમાવ્યા બાદ અનેક અભિનેતા-અભિનેત્રીઓ રાજકારણમાં આવતા હોય છે. લોકચાહનાને કારણે અનેક વખત તેઓ જીત પણ હાંસલ કરે છે. ત્યારે પોતાના નિવેદનને કારણે હમેંશા ચર્ચામાં રહેતી અભિનેત્રી કંગના રનૌતે રાજકારણમાં આવવાની ઈચ્છા દર્શાવી છે. જો ભાજપ કંગનાને ચૂંટણી લડવાનો મોકો આપે તો તે હિમાચલ પ્રદેશના મંડીથી તે ચૂંટણી લડવાનું પસંદ કરશે.
જો ભાજપ ટિકિટ આપશે તો હિમાચલમાં લડશે ચૂંટણીમાં
એક્ટ્રેસ હોવા છતાં કંગના રાજકારણમાં ઉંડો રસ ધરાવે છે. રાજકીય મુદ્દો હોય કે સામાજીક મુદ્દો હોય પોતાની વાતને એકદમ ક્લિયર રાખવાને કારણે અનેક વખત વિવાદોમાં ઘેરાઈ જતી હોય છે. કંગનાએ રાજકારણમાં એન્ટ્રી કરવાની પૂરેપૂરી તૈયારી દર્શાવી છે. હિમાચલ પ્રદેશમાં આયોજીત એક કાર્યક્રમમાં કંગનાએ ભાગ લીધો હતો જેમાં તેણે કહ્યું કે તે હિમાચલમાં ચૂંટણી લડવા માગે છે. જો જનતા ઈચ્છે અને ભાજપ ટિકિટ આપે તો તે ચૂંટણી લડવા તૈયાર છે.
રાજકીય પરિવારમાંથી આવે છે કંગના
કંગનાએ કહ્યું કે જો સરકાર રાજનીતિમાં મારી ભાગીદારી ઈચ્છે તો હું સંપૂર્ણ રીતે તૈયાર છું. હિમાચલ પ્રદેશના લોકોની સેવા કરવાની તક આપવીએ મારા માટે સૌભાગ્યની વાત છે. કંગનાના પિતા પણ રાજકારણમાં હતા. વડાપ્રધાનથી પ્રભાવિત થઈ કંગનાના પિતાએ કોંગ્રેસને છોડી ભાજપનો સાથ પકડી લીધો હતો. ત્યારે જોવાનું એ રહ્યું કે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેત્રીને ભાજપ ચૂંટણી મેદાનમાં ઉતારશે?