તમિલનાડુની એગ્મોર કોર્ટે અભિનેત્રી અને પૂર્વ રાજ્યસભા સાંસદ જયાપ્રદાને 6 મહિનાની જેલની સજા ફટકારી છે. મળતી માહિતી મુજબ, જયાપ્રદાના થિયેટર વર્કરોએ તેમની વિરુદ્ધ રાજ્ય વીમા નિગમને ESI ન ચૂકવવાનો આરોપ લગાવીને કેસ દાખલ કર્યો હતો. ચેન્નાઈના રાયપેટામાં જયાપ્રદાની માલિકીના એક મૂવી થીયેટરના કર્મચારીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી બાદ કોર્ટે તેમના પર 5 હજારનો દંડ પણ લગાવ્યો છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે જયાપ્રદા સહિત ત્રણને છ મહિનાની કેદ અને પાંચ હજાર રૂપિયાના દંડની સજા ફટકારી હતી.
શું હતો સમગ્ર મામલો?
તે ચેન્નાઈના રામ કુમાર અને રાજ બાબુ સાથે રાજ્યની રાજધાની ચેન્નાઈના અન્ના સલાઈમાં થિયેટર ચલાવતી હતી. મળતી માહિતી મુજબ આ થિયેટર હવે અસ્તિત્વમાં નથી. તે છેલ્લા 10 વર્ષથી બંધ હાલતમાં છે. આ કિસ્સામાં, ત્યાં કામ કરતા તેમના થિયેટર કર્મચારીઓ પાસેથી એકત્ર કરાયેલ ESI કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC)ને ચૂકવવામાં આવ્યું ન હતું. આ સંદર્ભે ESIC એ ચેન્નાઈની એગ્મોર કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. આ કેસ સામે જયાપ્રદા અને અન્યો દ્વારા મદ્રાસ હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી 3 અરજીઓ ફગાવી દેવામાં આવી હતી. જ્યારે આ મામલો એગ્મોર કોર્ટના ન્યાયાધીશ સમક્ષ સુનાવણી માટે આવ્યો ત્યારે જયાપ્રદાએ કહ્યું કે તે મજૂરો પાસેથી મળેલી રકમ ચૂકવશે. પરંતુ ESICના વકીલે તેની સામે વાંધો ઉઠાવ્યો હતો.
કેવું રહ્યું સિનેમા અને રાજકીય કેરિયર?
અભિનેત્રી જયાપ્રદા 80ના દાયકામાં ખૂબ લોકપ્રિય હતી. કમલ હાસન અભિનીત સલંગાઈ ઓલી જયાપ્રદાની પ્રખ્યાત ફિલ્મ છે. તેણે કોલીવુડ, ટોલીવુડ અને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં 300 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે. આ પછી તે રાજકારણમાં આવી અને સાંસદનું પદ પણ સંભાળ્યું હતું.
જયાપ્રદા વર્ષ 2004 અને 2009માં બે વખત લોકસભામાં સમાજવાદી પાર્ટી તરફથી રામપુરનું પ્રતિનિધિત્વ કરી ચુકી છે. રસપ્રદ બાબત એ છે કે રામપુરથી સાંસદ રહી ચુકી જયાપ્રદાનું રાજકીય કેરિયર 1994માં તેલુગુ દેશમ પાર્ટીથી શરૂ થયું હતું. જયા પ્રદા 1996માં આંધ્રપ્રદેશથી અગાઉ રાજ્યસભા માટે ચુંટાઈ હતી. ત્યાર બાદ વર્ષ 2004માં તેમણે સમાજવાદી પાર્ટીનો હાથ પકડ્યો હતો. તેમણે રાષ્ટ્રિય લોકદળથી લોકસભાની ચૂંટણી લડી પણ હારી ગયા હતા.