વૈશાલી ઠક્કરને તેનો પાડોશી પરેશાન કરતો હોવાનો ખુલાસો થયો.
વૈશાલી ઠક્કરના ડિસેમ્બરમાં કેલિફોર્નિયાના સોફ્ટવેર એન્જિનિયર સાથે લગ્ન થવાના હતા.
વૈશાલી ઠક્કરે સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'થી ટીવી પર ડેબ્યૂ કર્યું હતું.
ટીવી એક્ટ્રેસ વૈશાલી ઠક્કરના આપઘાતના સમાચાર સૌને હચમચાવી નાખ્યા છે. પરિવાર હજી તો આ વાત સ્વીકારી નથી શક્યો. પોલીસે આત્મહત્યા કેસની તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે એક્ટ્રેસનો કેટલોય સામાન જપ્ત કર્યો છે. જેમાં તેની ડાયરીનો પણ સમાવેશ થાય છે. પોલીસને સૂસાઈડ નોટ પણ મળી આવી છે.
'સસુરાલ સિમર કા' સીરિયલમાં દીપિકા કક્કડની દીકરીનો રોલ કરનારી એક્ટ્રેસ વૈશાલી ઠક્કર હવે આ દુનિયામાં નથી રહી. એક્ટ્રેસે 30 વર્ષની ઉંમરે આત્મહત્યા કરી લીધી છે. તેના મોતના સમાચારે પરિવાર, મિત્રો અને ફેન્સને ઊંડો આઘાત આપ્યો છે. પોલીસને ઘટનાસ્થળેથી સૂસાઈડ નોટ મળી આવી છે જેમાં ઉલ્લેખ હતો કે વૈશાલીનો એક્સ-બોયફ્રેન્ડ તેને પરેશાન કરતો હતો. હવે પોલીસને નવો ખુલાસો કર્યો છે કે, વૈશાલીનો પાડોશી તેને પરેશાન કરતો હતો. પોલીસને વૈશાલીની ડાયરી મળી છે જેમાંથી કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે.
રવિવારે બપોરે કરી આત્મહત્યા
પોલીસના જણાવ્યા અનુસાર, વૈશાલીએ રવિવારે બપોરે 12.30 કલાકે આત્મહત્યા કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ ત્યાં પહોંચી હતી. કેસ દાખલ કર્યા બાદ તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો અને ત્યારબાદ વૈશાલીના અંતિમ સંસ્કાર થયા હતા. હવે પોલીસે જણાવ્યું કે, એક્ટ્રેસ ઈન્દોરની સાઈબાગ કોલોનીમાં રહેતી હતી. આ વિસ્તાર તેજાજી પોલીસ સ્ટેશન અંતર્ગત આવે છે.
‘બે દિવસ પહેલા જ અમારી વાત થઈ હતી’,બેસ્ટ ફ્રેન્ડ વૈશાલી ઠક્કરના નિધનથી ભાંગી પડ્યો છે રોહન મહેરા
પાડોશી શંકાના ઘેરામાં
પોલીસને વૈશાલીના ઘરેથી મળેલી સૂસાઈડ નોટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, તેનો પૂર્વ પ્રેમી પરેશાન કરી રહ્યો છે. હવે પોલીસને જાણકારી મળી છે કે, રાહુલ નાવલાવી નામનો પાડોશી પણ વૈશાલીને પરેશાન કરતો હતો. પોલીસનું કહેવું છે કે, તે પરિવારનો ઓળખીતો છે અને તેના કારણે જ વૈશાલીએ અંતિમ પગલું ભરવાનો નિર્ણય કર્યો હતો. રાહુલ બિઝનેસમેન હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
પાછળ પડ્યો હતો પાડોશી
ACP મોતી ઉર રહેમાને ન્યૂઝ એજન્સીને જણાવ્યું- 'રાહુલ, વૈશાલીનો પાડોશી હતો. તેની સૂસાઈડ નોટ આ વાતનો ઈશારો કરી રહી છે કે તે વૈશાલીને હેરાન કરતો હતો અને આ જ કારણે તેણે આ પગલું ભર્યું છે. તે અન્ય પુરુષ સાથે લગ્ન કરવાની હતી અને રાહુલ આ જ કારણે તેને પરેશાન કરતો હતો. હાલ પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.'
વૈશાલીની ડાયરી પોલીસે જપ્ત કરી
પોલીસે જણાવ્યું કે, રાહુલ પરણેલો છે અને હાલ તે ફરાર છે. પોલીસે રાહુલની શોધખોળ શરૂ કરી છે. ACPએ એમ પણ ઉમેર્યું કે, વૈશાલીની કેટલીય વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે, જેમાં તેની ડાયરીનો સમાવેશ થાય છે. ડાયરીમાં તેણે ડિપ્રેશનનો ઉલ્લેખ કર્યો છે ઉપરાંત કેટલાક એવા નામો પણ લખ્યા છે જેનો સંબંધ કેસ સાથે હોઈ શકે છે. પોલીસનું કહેવું છે કે, વૈશાલીના પરિવારને હજી સુધી કોઈ પર શંકા નથી લાગતી. જોકે, તેમના નિવેદન નોંધવાના બાકી છે. સાથે જ હજી કોઈની સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો કેસ પણ નથી નોંધ્યો. પોલીસ બધા જ પાસા ચકાસી રહી છે અને પછી જ કોઈ એક્શન લેશે.