રસ્તા પર રખડતા ઢોર ગુજરાતમાં મોટો પ્રશ્ન બની ગયો છે. પશુને કારણે અનેક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે તો અનેક વાહન ચાલકોને પણ ઢોર કારણે મોટુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. રસ્તા પર જ્યાં જુઓ ત્યાં રખડતા પશુઓ જોવા મળે છે. જેને હટાવવાની કામગીરી હાઈકોર્ટના આદેશ બાદ સરકાર દ્વારા હાથ ધરવામાં આવી હતી. પરંતુ વિભાગની નબળી કામગીરીને કારણે મ્યુનિસિપલ કોર્પોરેશને ઢોર ત્રાસ અંકુશ નિવારણ વિભાગના વડાને સસ્પેન્ડ કરી દીધા છે. સીએનસીડી વિભાગના વડા નરેશ રાજપુત તેમજ ઈન્ચાર્જ સુપરિટેન્ડન્ટ ડો. પ્રતાપ રાઠોડને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બંને અધિકારીઓને સસ્પેન્ડ કર્યા બાદ બંને અધિકારીની જવાબદારી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડાયરેક્ટરને સોંપી દેવામાં આવી છે.
હાઈકોર્ટની ટકોર બાદ પણ તંત્રની નબળી કામગીરી
અનેક વખત રસ્તા પર રહેતા ઢોરને કારણે રાહદારીઓને ગંભીર ઈજાઓ પહોંચડતી હોય છે. તે ઉપરાંત વાહન ચાલકોને પણ અનેક વખત ઢોરના ઝઘડાનો ભોગ બનવું પડે છે. જેને કારણે આ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. રખડતાં ઢોર મામલે હાઈકોર્ટે અનેક વખત તંત્રને ટકોર કરી છે. હાઈકોર્ટે ઢોર પકડવા મામલે તંત્રની કામગીરીથી નારાજગી વ્યક્ત કરી છે.
અસંતોષ વ્યક્ત કરતા કોર્ટે કહ્યું કે આજે પણ શહેરના અનેક વિસ્તારના રોડ પરથી રઝળતાં ઢોરનો ઉપદ્રવ દૂર થયો નથી. સરકારના ફરમાન બાદ પણ અધિકારીઓની ઢીલી નીતિને કારણે રસ્તા પર ગાયો દેખાતી નજરે પડે છે. ગાયોને કારણે અડધા રસ્તાઓ બ્લોક થઈ જતા હોય છે. અત્યાર સુધી તંત્રએ 2323થી વધુ પશુઓને પકડી ડબે પૂરી દીધા છે.