આપણે એવા દેશમાં રહીએ જ્યાં મહિલાને શક્તિનું રૂપ માનવામાં આવે છે. આપણે તો દેશ પાછળ પર માતા લખીએ છીએ. જ્યારે આપણે આપણા દેશનું નામ લઈએ છીએ તો તેની પાછળ માતા બોલીએ છીએ. દેશને માતાનો દરજ્જો આપીએ છીએ. પરંતુ મહિલાઓ પર થતા અત્યાચારને જોઈ મહિલાઓ તો પીડામાં મૂકાતી હોય છે પરંતુ હવે વધતા ગુન્હાઓને જોઈને તો ભારત માતાને પણ દુખ થતું હશે...
ચાર આરોપીઓની કરાઈ ધરપકડ
માનવતા શર્મસાર થતી હોય તેવી ઘટનાઓ આપણી સામે આવી રહી છે. મણિપુરથી જે ઘટના સામે આવી છે તેણે દેશના લોકોને હચમચાવી નાખ્યા છે. બે મહિલાઓને નિર્વસ્ત્ર કરી ફેરવવામાં આવી રહી છે. આ ઘટના ભલે થોડા સમય પહેલાની હોય પરંતુ આ સમગ્ર મામલો હવે સામે આવ્યો છે. ઈન્ટરનેટ સેવા બંધ હોવાને કારણે આ વીડિયો બીજા લોકો સુધી પહોંચ્યો ન હતો પરંતુ આ વાતની જાણ મુખ્યમંત્રી પાસે તો હોય જ ને? આ મામલે ફરિયાદ પણ ઘણા સમય પહેલા કરી દેવામાં આવી હતી પરંતુ જ્યારે લોકોનું તેમજ મીડિયાનું પ્રેશર આવ્યું તે બાદ કાર્યવાહી કરવામાં આવી. આ મામલે હવે આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી છે. હજી સુધી આ ઘટનામાં ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી ચૂકી છે.
પ્રધાનમંત્રીએ આ ઘટના પર આપી પ્રતિક્રિયા
મણિપુરથી જે વીડિયો સામે આવ્યો તેને જોઈ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ઝઘડામાં કોઈ માણસ, કોઈ જાતિ આટલી નીચ હરકત કરવા પર આવી જશે તો કયા મોઢે આપણે આપણા બાળકોને સમાજ વિશે વાતો કરીશું? સમાજને આપણે ક્યાં લઈ જઈ રહ્યા છીએ. જ્યાં મહિલાનું સન્માન થવું જોઈએ ત્યાં તો મહિલા અત્યાચારનો ભોગ બની રહી છે. મણિપુરના વીડિયો અંગે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી વાત પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવી હતી. તેમનું દિલ વ્યાકુળ થઈ ઉઠ્યું હતું. આ મામલે હજી સુધી ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
આરોપીને પકડવામાં શા માટે કરાઈ આટલી વાર?
આ ઘટના બાદ મણિપુરના મુખ્યમંત્રીની પણ પ્રતિક્રિયા સામે આવી હતી. પોતાના નિવેદનમાં તે કહી રહ્યા છે કે તમને એક કેસ દેખાય છે, અહીં આવી 100 ઘટનાઓ બની છે. જ્યારે મુખ્યમંત્રીને આ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આ ઘટના દુનિયા સમક્ષ તો આજે ઉજાગર થઈ પરંતુ મણિપુરના પોલીસને ત્યાંના અધિકારીઓને, મુખ્યમંત્રીને તો જાણ હોવી જ જોઈએને. પરંતુ આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આટલા મહિનાઓની રાહ શા માટે જોવાઈ? શું વીડિયો વાયરલ થયા બાદ કાર્યવાહી કરવામાં આવી? મુખ્યમંત્રીને થતી હિંસાની ખબર હોય પરંતુ શા માટે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી?