14 ફેબ્રુઆરીના રોજ અનેક શાળાઓમાં માતૃ પિતૃ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં આસારામની પૂજા અને આરતી કરવામાં આવી રહી હતી. મહીસાગરના લૂણાવાડાની શાળાનોએ વીડિયો હતો. માતૃ પિતૃ ઉજવણી દરમિયાન શાળામાં બળાત્કારની સજા ભોગવી રહેલા આસારામની પૂજા કરવામાં આવી રહી હતી. મામલો વકરતા શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. કાર્યવાહીના ભાગ રૂપે શિક્ષકોની બદલી કરી દેવામાં આવી છે. શિક્ષકોની બદલી મહીસાગરથી કચ્છના છેવાડે કરી દેવામાં આવી છે.
આસારામની આરતી ઉતારાતો વીડિયો થયો હતો વાયરલ
એક તરફ લોકો 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડેની ઉજવણી કરી રહ્યા હતા તો બીજી તરફ અનેક શાળામાં તે દિવસે માતૃ પિતૃ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અનેક શાળાઓમાં બાળકો દ્વારા માતા પિતાની પૂજા કરવામાં આવી હતી. ત્યારે મહિસાગરથી ઉજવણીનો એક વીડિયો સામે આવ્યો હતો જેને કારણે વિવાદ સર્જાયો હતો. મહિસાગરની એક શાળામાં બળાત્કારની સજા ભોગવી રહેલા આસારામની પૂજા કરવામાં આવી હતી. આસારામની આરતી ઉતારાતી હોય તેવા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ખુરશી પર આસારામનો ફોટો હતો. તેમની પૂજા કરવામાં આવી હતી તે બાદ આરતી પણ ઉતારવામાં આવી હતી. તે ઉપરાંત બેનરમાં પણ આસારામનો ફોટો મૂકવામાં આવ્યો હતો.
શિક્ષકોની મહીસાગરથી કચ્છમાં કરાઈ બદલી
વિવાદ વધતા તાલુકા શિક્ષણ સંઘના પ્રમુખ અને જામા પગીના મુવાડીની પ્રાથમીક શાળાના આચાર્ય-શિક્ષકોને તપાસમાં દોષિત ઠેરાવ્યા હતા. દોષિત તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ બિપિન પટેલ તેમજ જામા પગીના મુવાડા પ્રાથમિક શાળાના આચાર્ય, શિક્ષકોને આ મામલામાં કારણ દર્શક નોટિસ ફટકારવામાં આવી હતી. આ અંગે તાલુકા શિક્ષણ અધિકારીએ ઈન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારીને રિપોર્ટ સોંપ્યો હતો. આ મામલે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો અને આગળની કાર્યવાહી કરવામાં આવી હતી. જામાપગીના મુવાડા પ્રાથમિક શાળાના શિક્ષક પ્રદિપકુમાર પટેલ, મધુબેન પગી, ગીતાબેન પટેલ, અંકિત પંડ્યા અને બિપીન પટેલની બદલી કચ્છ જિલ્લામાં કરવામાં આવી છે. સાથે જ બાકી રહેલા શિક્ષકો સામે પણ પગલા લેવા જણાવામાં આવ્યું છે.