રાજ્યમાં નશાકારક આયુર્વેદિક સીરપનું વેચાણ વધી રહ્યું છે, જો કે ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં બિલોદરા ગામમાં અને મહુધા તાલુકાના બગડુ ગામમાં નશાયુક્ત સીરપ પીવાથી 5 લોકોના મોત થયા બાદ પોલીસ તંત્ર સફાળું જાગ્યું અને આ મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં ભાજપના એક નેતાનો પણ સમાવેશ થાય છે. ખેડા LCBએ આ સમગ્ર મામલે બિલોદરાના વેપારી કિશોર સોઢા, કિશોરનો ભાઈ અને નડિયાદના યોગેશ સિંધીની અટકાયત કરી છે. કિશોર સોઢા ઉર્ફે કિશન ભાજપનો નેતા છે, તે નડિયાદ તાલુકા કોષાધ્યક્ષનો હોદ્દો ધરાવે છે. જો કે ભાજપે કિશોર સોઢા સામે કાર્યવાહી કરતા તેની પદ પરથી હકાલપટ્ટી કરી છે.
કિશોર સોઢાને પાણીચું
ખેડા જિલ્લામાં મેઘાસવ સીરપ પીવાથી થયેલા મોતની ઘટનામાં ત્રણ શંકાસ્પદ આરોપીમાં એક કિશોર સોઢા પણ છે. કિશોર સોઢા ભાજપના કોષાધ્યક્ષ હતા. જો કે સીરપકાંડના આરોપસર તેમને પદ પરથી પણ હવે દૂર કરાયા છે. જિલ્લા ભાજપે કિશોર સોઢાને કોષાધ્યક્ષના હોદ્દા પરથી દૂર કર્યાં છે. ઉલ્લેખનિય છે કે કિશન સોઢા કિરાણા સ્ટોર ધરાવે છે અને તેની દુકાનમાંથી જ આ નશાયુક્ત મેઘાસવ નામનું સીરપ વેંચતો હતો. આ સીરપ પીવાથી પાંચ લોકોના મોત થયા છે. નશાયુક્ત સીરપ અમદાવાદથી મંગાવવામાં આવ્યું હતું. જે ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે તેમાં આ સીરપ સપ્લાય કરનાર એક વચેટિયાનો પણ સમાવેશ થાય છે.