વડોદરાની હરણી લેક દુર્ઘટનામાં બાર માસૂમ બાળક અને બે શિક્ષિકા એમ કુલ 14ના ભોગ લેનારા કોટિયા મેનેજમેન્ટના પાર્ટનરોને શોધવામાં પોલીસને સફળતા મળી છે. કોટિયા મેનેજમેન્ટના મુખ્ય પાર્ટનર બિનીત કોટિયાની ધરપકડ કરવામાં આવી છે. 32 વર્ષીય બિનીત કોટિયા કંપનીમાં મેનેજિંગ ડાયરેક્ટરની પોસ્ટ પર કામ કરી રહ્યો હતો. મૂળ ભરુચનો રહેવાસી બિનીત છેલ્લાં ઘણાં વર્ષોથી વડોદરામાં પરિવાર સાથે રહે છે. જો કે હજુ સુધી મુખ્ય સુત્રધારો પરેશ શાહ અને નિલેશ જૈન પોલીસ પકડથી દુર છે. પરેશ શાહ પરિવાર સાથે ભૂગર્ભમાં ઉતરી ગયો હોવાની વાતો ચર્ચાઇ રહી છે. આ બે સહિત અન્ય નાસતા ફરતા તેર આરોપીઓ દેશ છોડીને નાસી ન જાય તે માટે લુકઆઉટ સર્ક્યુલર જારી કરીને તમામ એરપોર્ટ ઓથોરીટીને એલર્ટ કરવામાં આવેલ છે. આ ઉપરાંત પ્રથમ એફઆઇઆરમાં દર્શાવેલા 18 પૈકીના એક આરોપીનું અવસાન થયેલ હોવાનું જણાતાં તેની બાદબાકી કરાઇ છે. પકડાયેલા 6 આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. દુર્ઘટનાના મુખ્ય સૂત્રધાર પરેશ શાહ અને નિલેશ જૈન રાજકીય તથા આધ્યાત્મિક ગૂરૂઓનું પીઠબળ ધરાવતા હોવાની વાત સામે આવી છે.
આ લોકોની થઈ છે ધરપકડ
હરણી લેક ઝોન દુર્ઘટના મામલે પોલીસે કોટીયા પ્રોજેક્ટસના તમામ ભાગીદારો સહિત અન્ય જવાબદારો સામે ગુનો નોંધ્યો છે. ત્યારે ઘટનાના પાંચમાં દિવસે બિનિત કોટીયાની ધરપકડ કરવામાં આવી છે. આ અગાઉ પોલીસે કોટીયા પ્રોજેક્ટસના ભાગીદાર ભીમસીંગ યાદ, રશ્મીકાંત પ્રજાપતિ, વેદપ્રકાશ યાદવ તથા લેક ઝોનના મેનેજર શાંતિલાલ સોલંકી અને બોટ ઓપરેટર અંકિત વસાવા તેમજ નયન ગોહિલની ધરપકડ કરી તેમના તા. 25 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મેળવ્યાં છે. રિમાન્ડ દરમિયાન આ તમામની પુછતાછમાં પરેશ શાહ અને ડોલ્ફીન એન્ટરટેઇનમેન્ટની નિલેશ જૈનના વહિવટો હિસાબ બહાર આવતા તેમની સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. તાજેતરમાં ઝડપાયેલા બિનિત કોટીયા ફરસાણનો વ્યવસાય કરતો હોવાનુ પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
પેટા કોન્ટ્રાક્ટરોની પણ થઈ રહી છે તપાસ
વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતે જણાવ્યા પ્રમાણે કોટિયા મેનેજમેન્ટ કંપનીના ત્રણ પાર્ટનર, મેનેજર, બે બોટ ચલાવનારની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય લોકોની ધરપકડ માટે ટીમો તપાસમાં લાગી હોવાની વાત પણ કમિશનરે કરી છે. મેઇન કોન્ટ્રાકટરને કોન્ટ્રાક્ટ આપ્યા બાદ એ કંપનીએ કોને કોને પેટા કોંટ્રાક્ટ સોંપ્યો તેની પણ તપાસ થઇ રહી છે. મેસર્સ કોટીયા સાથે વડોદરા મહાનગરપાલિકાએ કરાર કર્યા હતા. આ મેસર્સ કોટીયાએ ડોલ્ફીનના નિલેશ જૈનને પેટા કોન્ટ્રાક્ટ આપ્યો હતો .વર્ષ 2017માં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને આપેલ કોંટ્રાક્ટમાં 4 ભાગીદાર હતા. પરેશ શાહનો દિકરો વત્સલ, ધર્મીન ભતાણી વહીવટ સંભાળતા હતા. 2017માં કોર્પોરેશન સાથે થયેલા કરારમાં પણ પરેશ શાહનું નામ નથી. પરેશ શાહના પુત્ર વત્સલ શાહ, પત્ની સહિત 4ના નામે કોંટ્રાક્ટ હતો. વડોદરા બોટ દુર્ઘટનામાં સૌથી મોટો ખુલાસો થયો હતો. તળાવ ડેવલપનો કોન્ટ્રાક્ટ સમયે કોટિયા પ્રોજેક્ટમાં છ પાર્ટનર હતા. પરંતુ હાલમાં કોટિયા પ્રોજેક્ટમાં 16 પાર્ટનર છે. જેમ જેમ એક્ટિવિટી વધી, તેમ તેમ પાર્ટનરો પણ વધતા ગયા હતા. કયા પાર્ટનરને કઈ જવાબદારી હતી તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
ઉત્કર્ષ દવેના સ્કૂલ સંચાલક પર ગંભીર આરોપ
હરણી લેક ઝોન દુર્ઘટના મામલે આજે વડોદરા ખાતે એડવોકેટ ઉત્કર્ષ દવેએ પત્રકાર પરિષદ યોજી માહિતી આપતા જણાવ્યું હતુ કે, હરણી હોનારત મામલે સુપ્રિમ કોર્ટમાં રિટ પિટિશન અને પીઆઇએલ દાખલ કરવામાં આવી છે. આ દુર્ઘટનાના મામલે કલેકટર, મ્યુનિ.કમિશ્નર અને શાળા સંચાલકો સામે પગલા લેવા માગ કરવામાં આવી છે. શાળાએ પિકનિક માટે ડીઇઓ ઓફીસની પરવાનગી કેમ લીધી ન હતી, શાળા સંચાલકોની આટલી ગંભીર બેદરકારી છતાં ફરિયાદમાં તેઓના નામ નથી, વર્ષ 2017માં જે કરાર આધારે કોટિયા પ્રોજેક્ટસને કોન્ટ્રાક્ટ અપાયો તેમાં હરણી તળાવમાં પેડલ બોટ ચલાવવાની પરવાનગી આપવામાં આવી હતી પણ એન્જિન બોટ ચલાવવામાં આવી રહીં હતી. તો તેની ચકાસણી કોણે કરવાની હતી? તેમણે એમ પણ જણાવ્યું કે, લેક ઝોનનુ સમયસર ઇન્સપેક્શન કેમ ન થયું અને તેને બોગસ એનઓસી કોને આપી ? એડવોકેટ ઉત્કર્ષ દવે એમ પણ જણાવ્યું કે, જ્યાં સુધી બાળક માઇનર હોય અને સ્કુલમાં હોય તો તેની સંપૂર્ણ જવાબદાર વડોદરાના વાઘોડિયાની ન્યૂ સનરાઈઝ સ્કૂલની હોય છે. તો પછી આ દુર્ઘટના પાછળ કોન્ટ્રાકટર સહિત અન્ય જેટલા જવાબદારો છે, તોવડોદરાના વાઘોડિયાની ન્યૂ સનરાઈઝ સ્કૂલ પણ એટલી જ જવાબદાર છે.