ગુજરાતમાં ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લઈ લીધી છે. ત્યારે ફરી એક વખત ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં મેઘરાજા પધરામણી કરી છે. હવામાન વિભાગે હજી થોડા દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે તેવી આગાહી કરી છે. ક્યાંક ભારે તો ક્યાંક ઝરમર વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘો વરસી શકે છે. કમોસમી વરસાદ થવાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. અમદાવાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
અનેક પંથકોમાં વરસ્યો વરસાદ
જુનાગઢ શહેરમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. રવિવારના દિવસે માત્ર એક કલાકમાં દોઢ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. પોરબંદરમાં પણ વરસાદ વરસ્યો હતો જેથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. વીરપુરમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. ભરૂચમાં પણ વરસાદ મન મૂકીને વરસ્યો હતો. વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાયા હતા.
કમોસમી વરસાદ થતા ખેડૂતોની મહેનત જશે પાણીમાં
વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. 15 ઓક્ટોબર સુધી વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરાતા ખેડૂતોની ચિંતામાં વધારો છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકશાન થઈ શકે છે. મગફળી, સોયાબીન, કપાસના પાકને નુકશાન થવાની ભીંતી ખેડૂતો સેવી રહ્યા છે. મહિસાગરમાં પણ સતત વરસાદ થવાને કારણે પાણી ભરાઈ ગયા હતા. અમરેલીના સાવરકુંડલામાં વરસાદ થતા પાકને નુકશાન થયું હતું.