અઠવાડિયાના સાત દિવસો દરમિયાન અલગ અલગ દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે. સાતેય દિવસ અલગ અલગ દેવતાઓને સમર્પિત હોય છે. એવું માનવામાં આવે છે કે દિવસ પ્રમાણે ભગવાનની પૂજા કરવાથી ભગવાન જલદી પ્રસન્ન થાય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર રવિવારનો દિવસ સૂર્યનારાયણ ભગવાન તેમજ માતાજીને સમર્પિત હોય છે. સોમવાર મહાદેવજી તેમજ ચંદ્રદેવને સમર્પિત હોય છે. મંગળવાર હનુમાન દાદાની, બુધવારે ગણપતિની, ગુરૂવારે ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું મહત્વ હોય છે. માતા લક્ષ્મીની આરાધના શુક્રવારના દિવસે કરવામાં આવે છે જ્યારે શનિવારે શનિદેવની પૂજા કરવામાં આવે છે. ત્યારે આજે જાણીશું કે કયા દેવી-દેવતાની પૂજા કરવાથી શું ફાયદો થાય છે?
શાસ્ત્રો અનુસાર સૂર્યનારાયણને પ્રત્યક્ષ દેવ માનવામાં આવે છે. નિયમીત સૂર્યનારાયણ દેવની પૂજા કરવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે. સૂર્યને અર્ધ્ય આપવાથી તેમની કૃપા મેળવી શકાય છે. સૂર્યદેવની પૂજા કરવાથી વ્યક્તિમાં હિંમત અને ઉર્જાનો સંચાર થાય છે. તાંબાના કળશમાં શુદ્ધ જળ ભરી તેમાં ફૂલ અને અક્ષત અર્પણ કરવા જોઈએ. સોમવારના દિવસ ભગવાન શંકરની પૂજા કરવામાં આવે છે. ભોલેનાથ સિવાય ચંદ્રદેવની પૂજા કરવામાં આવે છે. ચંદ્રદેવની પૂજા કરવાથી મન શાંત થાય છે.
બજરંગબલી એટલે કે હનુમાન દાદાની પૂજા મંગળવારે કરવામાં આવે છે. મંગળવારે હનુમાન દાદાની પૂજા કરવાથી કષ્ટ દૂર થાય છે. એવી માન્યતા છે કે મંગળવારના દિવસે હનુમાન દાદાનો જન્મ થયો હતો. ઘણા લોકો એવું માને છે કે મંગળવાર ગણપતિ દાદાને સમર્પિત હોય છે પરંતુ ગણપતિ દાદાને સમર્પિત મંગળવાર નહીં પરંતુ બુધવાર છે. બુધવારે ગણપતિ દાદાની પૂજા કરવાથી તેમની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. બુધવારના દિવસે ભગવાનને દુર્વા અર્પણ કરવી જોઈએ.
ગૂરુવાર દેવતાઓના ગુરૂને સમર્પિત હોય છે. તે ઉપરાંત ગુરૂવારનો દિવસ ભગવાન નારાયણને પણ સમર્પિત હોય છે. ગુરૂવારે પીળા રંગનું વિશેષ મહત્વ રહેલું હોય છે. દેવગૂરૂ બૃહસ્પતિને પ્રસન્ન કરવા ગુરૂવારે પીળી વસ્તુનું દાન કરવું જોઈએ ઉપરાંત શિવલિંગ પર ચણાની દાળ પણ અર્પણ કરવામાં આવે છે.
જો તમારે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા હોય તો દેવી લક્ષ્મીની પૂજા શુક્રવારે કરવી જોઈએ. શુક્રવારનો દિવસ દેવી લક્ષ્મીને સમર્પિત હોય છે. શુક્રવારના દિવસે કનકધારાસ્તોત્રનો પાઠ કરવો જોઈએ અથવા તો શ્રી-સૂક્તનો પાઠ કરવો જોઈએ. કમળનું ફૂલ માતા લક્ષ્મીને પ્રિય હોય છે તેથી શુક્રવારે માતા લક્ષ્મીને કમળનું ફૂલ અર્પણ કરી માતાજીની કૃપા મેળવી શકાય છે. શનિવારના દિવસે શનિ દેવની પૂજા કરવામાં આવે છે. તે ઉપરાંત હનુમાનની પૂજા પણ અનેક લોકો કરતા હોય છે. જો કુંડળીમાં શનિ દોષ હોય તો શનિવારે શનિદેવની પૂજા કરવી જોઈએ. શનિવારે શનિદેવને અથવા તો હનુમાન દાદાને તેલ ચઢાવવું જોઈએ અને જો શક્ય હોય તો હનુમાન ચાલીસાનો પાઠ પણ કરવો જોઈએ.
આમ અઠવાડિયાના દિવસો અલગ અલગ ભગવાનને સમર્પિત હોય છે. ભક્તિ કરતી વખતે સૌથી મહત્વનો હોય છે ભાવ. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો તમે ભાવ સાથે ભક્તિ કરશો તો ભગવાન અવશ્ય પ્રસન્ન થાય છે.
(નોંધ - અહીં આપેલી માહિતી માન્યતાઓ પર આધારીત છે)