રાજ્યમાં અકસ્માતોની વણઝાર જોવા મળી રહી છે. એકબાદ એક એવા ભયંકર અકસ્માત થઈ રહ્યા છે જેમાં લોકોના મોત થઈ રહ્યા છે. હિટ એન્ડ રનની ઘટનામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. રોડ અકસ્માતમાં અનેક લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે. થોડા દિવસો પહેલા ગાંધીનગરમાં એક ગમખ્વાર અકસ્માત થયો હતો જેમાં પાંચ પિતરાઈ ભાઈઓના મોત થઈ ગયા હતા ત્યારે આજે વધુ એક અકસ્માત બે લકઝરી બસો વચ્ચે થયો છે જેમાં ચાર લોકોના મોત થયા હોય તેવી પ્રાથમિક માહિતી સામે આવી છે. આ અકસ્માત ગોધરા-દાહોદ હાઈવે પર સર્જાયો છે.
ગોધરા-દાહોદ હાઈવે પર સર્જાયો અકસ્માત
ઓવરસ્પીડિંગને કારણે અનેક લોકોના મોત થયા છે, અનેક અકસ્માત સર્જાય છે. સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા, મોબાઈલ પર વાતો કરતા કરતા જેવા અનેક કારણોસર અકસ્માત સર્જાય છે. કોઈ વખત દુર્ઘટનામાં વાહન ખીણમાં ખાબકી પડે છે. ત્યારે આજે પણ એક અકસ્માત બન્યો છે જેમાં સાઈડમાં રિપેરિંગ માટે ઉભી રહેલી ગાડી સાથે પાછળથી આવેલી એક લક્ઝરી બસ અથડાઈ જેમાં ચાર જેટલા લોકોના મોત થઈ ગયા છે તેવી માહિતી સામે આવી છે જ્યારે 30 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માત ગોધરા-દાહોદ હાઈવે પર બન્યો છે. અમદાવાદથી ઈન્દોર જઈ રહેલી ખાનગી બસને અન્ય બસે ટક્કર મારી અને આ દુર્ઘટના સર્જાઈ છે.
ઘટનામાં ચાર લોકોના થયા મોત
એવી પણ માહિતી સામે આવી કે આ અકસ્માત ત્યારે સર્જાયો જ્યારે બસનું રિપેરિંગ કામ ચાલી રહ્યું હતું. બસમાં ટેક્નિકલ ખામી સર્જાઈ જેને કારણે બસને સાઈડમાં ઉભી રાખી, મુસાફરો નીચે ઉતર્યા અને રોડની સાઈડમાં ઉભા રહી ગયા. તે દરમિયાન પાછળથી બસ આવી અને ઉભેલા લોકોને અડફેટે લેતા ઈજાઓ પહોંચી જ્યારે બસમાં બેઠેલા ચાર લોકોના મોત થઈ ગયા છે તેવી માહિતી સામે આવી છે. સારવાર માટે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ટક્કર એટલી ભયંકર હતી કે બસ ચાલકનો સ્ટીયરિંગ પરથી કાબુ જતો રહ્યો અને હાઈવે પરથી બસ રોડની સાઈડમાં ઉતરી ગઈ. ઉતરી તે બાદ બસે પલટી મારી. અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચીને આગળને કાર્યવાહી હાથ ધરી છે.