અકસ્માતોની વણજાર રાજ્યમાં થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. ભીષણ રોડ અકસ્માતમાં અનેક લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા હશે. અનેક કિસ્સાઓ તો એવા હોય છે જેમાં આખેઆખો પરિવાર અકસ્માતમાં મોતને ભેટે છે. કોઈ વખત દર્શન કરી પરત ફરી રહેલો પરિવાર કાળનો કોળિયો બનતો હોય છે તો કોઈ વખત પ્રસંગમાં જતા લોકોના મોત અકસ્માતમાં થાય છે. અનેક અકસ્માત તો એટલા ભયંકર હોય છે કે લોકોના મોત ઘટનાસ્થળ પર જ થઈ જાય છે. ત્યારે આજે આવો જ ગંભીર રોડ અકસ્માત જામનગર કાલાવડ હાઈવે પર સર્જાયો છે. કાર અને ટ્રેક્ટર વચ્ચે ટક્કર થતાં 3 લોકોના મોત ઘટના સ્થળ પર જઈ ગયા છે જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ છે તેવી માહિતી સામે આવી રહી છે.
આ દુર્ઘટનામાં થયા ત્રણ લોકોના મોત
રવિવાર રાત્રે જામનગર-કાલાવડ હાઈવે પર ગંભીર રોડ અકસ્માત સર્જાયો છે. અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટના સ્થળ પર ત્રણ લોકોના મોત થઈ ગયા છે જ્યારે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. મોટી માટલી ગામ નજીક ટ્રેક્ટર તેમજ કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. સારવાર માટે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 108ની મદદથી ઈજા પામેલા લોકોને જી.જી. હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં જે લોકોના મોત થયા છે તે એક જ પરિવારના છે. સૈયદ પરિવારના ત્રણ લોકોના મોત આ ઘટનામાં થયા છે.
અકસ્માતમાં નિર્દોષ લોકો ગુમાવતા હોય છે પોતાનો જીવ
મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી અકસ્માતોના ઘણા બનાવો બની રહ્યા છે. અનેક ટક્કર એટલી ગંભીર હોય છે કે સારવાર મળે તે પણ લોકોના નસીબમાં નથી હોતું. હોસ્પિટલ પહોંચે તે પહેલા જ લોકો દમ તોડી દેતા હોય છે. અનેક લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવે છે પરંતુ સારવાર દરમિયાન તેમનું પણ મોત થઈ જતું હોય છે. ઘરેથી નિકળેલા માણસને નથી ખબર હોતી કે તે પરત ઘરે ફરશે કે નહી. અકસ્માતમાં ઘણી વખત નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવો પડતો હોય છે. પોલીસે ઘટના સ્થળે આવી તપાસ હાથ ધરી છે.