ભ્રષ્ટાચાર ખતમ થઈ ગયો છે જો તેવી વાત કોઈ કરે તો આપણને હસવું આવે છે, કારણ કે આપણી સામે એવા અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે જેમાં સરકારી અધિકારી લાંચ લેતા પકડાયા હોય છે. થોડા દિવસો પહેલા મહિલા કર્મચારીને પાંચ હજારની લાંચ લેતા એસીબીની ટીમે ઝડપી પાડ્યા હતા. ત્યારે ફરી એક વખત લાંચિયા અધિકારીને પકડી પાડવામાં આવ્યો છે. આ ઘટના છે બનાસકાંઠા જિલ્લાની. એસીબીએ કર્મચારીને પચાસ હજારની લાંચ લેતા ઝડપી પાડ્યા છે.
કોન્ટ્રાક્ટર પાસેથી સરકારી અધિકારીએ માગ્યા 50 હજાર!
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં શિરવાડા ગામ આવેલું છે. જ્યાંના તલાટી કમ મંત્રી છે ભાવેશ પ્રજાપતિ. ગામડામાં વિવિધ વિકાસ કાર્યો માટે ગ્રાન્ટ પણ આવતી હોય છે અને અમુક મંજૂર પણ કરાવવાની હોય છે. તો શિરવાડા ગામમાં રસ્તાનું કામ કરવાનું હતું. તલાટી કમ મંત્રી ભાવેશ પ્રજાપતિએ કોન્ટ્રાક્ટર પાસે 50 હજાર રૂપિયાની લાંચ માગી હતી. કામનું બિલ જલદી મંજૂર કરવા અને જલ્દીથી નાણાની ચૂકવણીની પ્રક્રિયા પૂરી કરવા માટે તેમણે કોન્ટ્રાક્ટર પાસે 50 હજાર રૂપિયા માગ્યા હતા.
લાંચીયા અધિકારીને પકડી પાડવા એસીબીએ છટકું!
કોન્ટ્રાક્ટરે એન્ટી કરપ્શન બ્યૂરોને ફરિયાદ કરી દીધી કે તલાટી કમ મંત્રી તો લાંચ માગી રહ્યા છે. એસીબીએ તલાટી કમ મંત્રીને લાંચ લેતા પકડવા માટે છટકું ગોઠવ્યું. અંતે પાલનપુર એન્ટી કરપ્શન બ્યૂરોએ શિરવાડા ગ્રામ પંચાયત કચેરીમાં જ તલાટી કમ મંત્રી ભાવેશ પ્રજાપતિને પચાસ હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડ્યો. હાલ બનાસકાંઠા પોલીસે તલાટી સામે કાયદેસરની કાર્યવાહી કરી અટકાયત કરી લીધી છે.
સારો પગાર હોવા છતાંય કેમ અધિકારીઓ લેતા હોય છે લાંચ?
અવાર નવાર આવા સમાચાર સામે આવી જાય છે. સરકારી અધિકારી એ ભૂલે છે કે તમે સરકારી અધિકારી છો યાર. તમારે લાંચની શું જરુર છે. ઓલરેડી સરકાર તમને આટલો પગાર આપે છે, કેટકેટલીય સરકારી સુવિધાઓ આપે છે જે ખાનગી સંસ્થામાં તો સપને પણ ન મળે. આ બધુ બંધ થવું જોઈએ. જો તમારી આસપાસ પણ કોઈ આવા કામ કરતું હોય તો તરત એન્ટી કરપ્શન બ્યૂરોનો સંપર્ક કરો. ગામ વચ્ચે બદનામ થશે અને પોલીસના સળિયા ગણશે ને ત્યારે ભાન આવી જશે.