ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ACBએ કરોડોની ગેરરીતિ આચરવાના મામલે ગાંધીનગરના માણસા રોડ પરના બંગલેથી ધરપકડ કરી છે. ત્યારે આજે વહેલી સવારે 4 વાગ્યાથી તેમના બંગલે ACBની ટીમે તપાસ હાથ ધરી છે.
વિપુલ ચૌધરીના ઘરે ACBની ટીમ ત્રાટકી
આજે વહેલી સવારે 4 વાગ્યાથી એન્ટી કરપ્શન બ્યૂરોની ટીમે વિપુલ ચૌધરીના ગાંધીનગરના નિવાસસ્થાને દરોડા પાડ્યા છે. માણસા રોડ પર પંચશીલ બંગલો પર ACBએ તપાસ હાથ ધરી હતી. હાલ વિપુલ ચૌધરીના પરિવારજનો બંગલા પર ઉપસ્થિત નથી પરંતુ એસીબીની ટીમ તપાસ કરી રહી છે.
વિપુલ ચૌધરીના ગાંધીનગરના બંગલેથી ACBને શું મળ્યું?
ગાંધીનગરના માણસા રોડ પર વિપુલ ચૌધરીના પંચશીલ બંગલો પર ACBએ રેડ કરી છે. બંગલા પરથી ACBને 31 હજાર રૂપિયાની રોકડ રકમ મળી છે. રોકડ રકમ સિવાય ACB ટીમને કોઈ ડોક્યુમેન્ટ કે અન્ય પ્રકારના દસ્તાવેજો નથી મળ્યા.
વિપુલ ચૌધરી સામે આરોપ શું છે?
દૂધ સાગર ડેરીમાં આર્થિક ગેરરીતિની ACBમાં ફરિયાદ થઈ હતી. આ ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરી હતી. આ તપાસ બાદ રૂપિયા 800 કરોડથી વધુ જેટલી ઉચાપત થઈ હોવાનું ખુલ્યું હતું. મોટી રકમનું કૌંભાડ બહાર આવ્યા બાદ વિપુલ ચૌધરીની સાથે તેમના CA શૈલેષ પરીખની પણ ધરપકડ કરીને ACB ઓફિસ લઈ જવામાં આવ્યા હતા.
વિપુલ ચૌધરી કેસમાં શંકરસિંહ બાપુ અને મોઢવાડિયાને સમન્સ
શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયાને મહેસાણા કોર્ટે સમન્સ પાઠવી 6 ઓક્ટોબરે હાજર રહેવાનો આદેશ કર્યો છે. જે તે સમયે મહારાષ્ટ્રમાં સાગર દાણ મોકલવાની ભલામણ શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયાએ કરી હતી. શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયાને સરકારી વકીલે મહેસાણા કોર્ટમાં હાજર રહેવાની જાણ કરી છે.
વિપુલ ચૌધરીને ભાજપ અવાજ ઉંચો કરવાની સજા?
વિપુલ ચૌધરી વર્તમાન ભાજપ સરકારથી નારાજ છે. મહેસાણાની દૂધ સાગર ડેરી પરથી સત્તા ગુમાવ્યા વિપુલ ચૌધરીએ મહેસાણા, બનાસકાંઠા, પાટણ ખાતે સભાઓ યોજી હતી અને સરકારની નીતિઓની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. ચૂંટણી પહેલા ઉત્તર ગુજરાતની રાજનીતિમાં શાંતિ જાળવી રાખવા માટે વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.