નવસારીના ગણદેવી રોડ પર આવેલા ઈટાળવા ગામના રાજહંસ થીએટરના પાર્કિંગમાં પુરવઠા વિભાગના ક્લાસ વન અધિકારી વિશાલ રાજકુમાર યાદવને 1 લાખ રૂપિયાની લાંચ લેતા ACBએ રંગે હાથ ઝડપી લીધા હતા.
કાગળિયા હોવા છતાં ગાડી રોકી તોડ કર્યો
ફરિયાદી લાઈટ અને ઓઈલનો વેપાર કરે છે. લાંચિયા અધિકારીએ ફરિયાદીની ગાડી રોકી કાગળિયા વગેરે ચેક કર્યા હતા. કાગળિયા ચેક કર્યા બાદ અધિકારી વિશાલ રાજકુમાર યાદવે ફરિયાદી પાસેથી 1 લાખ રૂપિયાની લાંચ માગી હતી પરંતુ ફરિયાદીએ એન્ટી કરપ્શન બ્યૂરોમાં ફરિયાદ કરી દીધી હતી.
ACBએ છટકું ગોઠવી અધિકારીની અટકાયત કરી
ફરિયાદીએ ACBને લાંચ મામલે ફરિયાદ કરતા ACBએ નવસારીના ગણદેવી રોડ પર આવેલા ઈટાળવા ગામના રાજહંસ થીએટરના પાર્કિંગમાં છટકું ગોઠવ્યું હતું. ફરિયાદીએ લાંચની રકમ લેવા અધિકારીને બોલાવ્યો હતો જ્યાં એસીબીએ અધિકારીને ઝડપી લીધો હતો. ACBએ લાંચની રકમ ફરિયાદીને પરત કરી હતી અને લાંચિયા અધિકારીની અટકાયત કરી હતી.