ફ્રાન્સ સરકારે મહત્વનો નિર્ણય લેતા મુસ્લિમ વિદ્યાર્થિનીઓ દ્વારા પહેરવામાં આવતા અબાયા પર પ્રતિબંધ લગાવી દીધો છે. ફ્રાન્સના શિક્ષણ મંત્રીએ સરકારના આ નિર્ણય અંગે જાહેરાત કરી હતી, તેમણે કહ્યું કે ફ્રાન્સની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતી મુસ્લિમ વિદ્યાર્થિનીઓના અબાયા પહેરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ફ્રાન્સમાં 4 સપ્ટેમ્બરથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે, ત્યારથી જ તે નિયમ અમલી બની જશે. ફ્રાન્સમાં અગાઉથી જ શાળાઓમાં અને સરકારી ભવનોમાં ધાર્મિક સંકેતો પર કડક પ્રતિબંધ લગાવવામાં આવ્યો જ છે. તેમનું કહેવું છે કે આ સંકેત ધર્મનિરપેક્ષ કાનુનોનું ઉલ્લંઘન કરે છે. વર્ષ 2004થી જ શાળાઓમાં હેડસ્કાર્ફ કે હિજાબ પહેરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
શા માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો?
ફ્રાન્સમાં કેટલાક લોકોનું માનવું છે કે અબાયા અને બુરખો એક જ છે, જો કે તે અલગ-અલગ છે. અબાયા એક ઢીલુ પરિધાન છે. જેનાથી શરીરને ખભાથી લઈને પગ સુધી ઢાંકી શકાય છે. બુરખો આખા શરીરને ઢાંકતું એક કપડું છે, જેમાં આંખોના ઉપર એક જાળીવાળો પડદો હોય છે. બંને પરિધાન મુસ્લિમ મહિલાઓ દ્વારા પહેરવામાં આવે છે, પરંતુ બંને અલગ છે.
શિક્ષણ મંત્રી ગેબ્રિયલ અટાલે સરકારના આ નિર્ણય અંગે વિસ્તારથી માહિતી જાણકારી આપી. તેમણે કહ્યું જ્યારે તમે શાળામાં પ્રવેશ કરો છો, ત્યારે તમે માત્ર વિદ્યાર્થીઓને જોઈને જ તેમના ધર્મની ઓળખ કરી શકવા ન જોઈએ. તેથી અમે નિર્ણય કર્યો છે કે શાળામાં હવે અબાયા પર પ્રતિબંધ લગાવવામાં આવે. છેલ્લા ઘણા મહિનાથી દેશમાં આ બાબત પર ચર્ચા ચાલી રહી હતી કે શું દેશની શાળાઓમાં યુવતીઓને અબાયા પહેરવું કેટલું યોગ્ય છે?