લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટી દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં અમિત શાહે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો તો આમ આદમી પાર્ટી દ્વારા પણ ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવી ગયો છે. ચૂંટણી પ્રચારના ભાગ રૂપે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતના પ્રવાસે છે અને વડોદરા ખાતે તેમણે જનસભાને સંબોધી હતી. આ કાર્યક્રમમાં ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવા તેમજ ભાવનગર લોકસભા સીટના ઉમેદવાર ઉમેશ મકવાણા પણ હાજર હતા. તે ઉપરાંત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી તેમજ ગોપાલ ઈટાલિયા પણ હાજર હતા. અરવિંદ કેજરીવાલ તેમજ ભગવંત માને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.
અરવિંદ કેજરીવાલે ભાજપ સરકાર પર કર્યા પ્રહાર
ચૂંટણી જેમ જેમ નજીક આવતી રહેશે તેમ તેમ ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ થઈ જશે. અલગ અલગ પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતમા સભાને સંબોધશે ત્યારે વડોદરા ખાતેથી આમ આદમી પાર્ટીએ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે અને તેના ભાગરૂપે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ ભગવંત માન ગુજરાત આવ્યા છે. પોતાના ભાષણ દરમિયાન બંને નેતાઓએ ભાજપ પર પ્રહાર કર્યા હતા. ભાજપ પર પ્રહાર કરતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે પાછલી વિધાનસભામાં ભાજપના ગઢ ગુજરાતમાંથી અમે 14 ટકા મતો મેળવ્યા છે. ગુજરાતમાં કહેવત હતી જે અહી માત્ર બે પાર્ટી ચાલે પણ અમે ત્રીજી પાર્ટીએ પગ પેસારો કરી કહેવત બદલી નાખી.
એક દિવસ કેન્દ્રમાં અમારી સરકાર બનશે - અરવિંદ કેજરીવાલ
વધુમાં તેમણે કહ્યું કે 156 બેઠક મેળવ્યા પછી પણ ભાજપે વિકાસ કાર્યો કરવાના સ્થાને એમ.એલ.એ તોડવાનું કાર્ય કર્યું છે. એ દિવસ દૂર નથી જ્યારે અમે કેન્દ્રમાં સરકાર બનાવીશું. અત્યાર સુધી ભાજપનો માલ ટ્રાય કર્યો હવે અમારો માલ ટ્રાય કરો. તાજેતરમાં અહીંના સરપંચે ભાજપના પ્રદેશ અધ્યક્ષ ને શાળા બાબતે ટકોર કરી હતી. ગુજરાતમાં ભાજપના ફાઇવ સ્ટાર કાર્યાલય બની રહ્યા છે પરંતુ શાળા નજરે ચડતી નથી. ચૈતરભાઈને જેલમાં નાખી અને ઉમેશ મકવાણા ઉપર જીવલેણ હુમલો કરાવી તેમને તોડવાનો ભાજપે ઘણો પ્રયાસ કર્યો છે. તેમ છતાં તેઓ અડીખમ ઊભા રહેતા તેમની હિંમતની દાદ આપવી પડે તેમ છે.