ગુજરાતમાં આમ આદમી પાર્ટી પૂરજોશમાં ચૂંટણી પ્રચાર કરી રહી છે. ચૂંટણી નજીક આવતા આપના અનેક નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે યુવાઓને આકર્ષવા માટે આપ રાજ્યસભાના સાંસદ અને આપ ગુજરાતના સહપ્રભારી રાઘવ ચડ્ડા ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. રાઘવ ચડ્ડાએ કહ્યું કે ગુજરાતમાં લોકો ભાજપથી નારાજ છે. લોકો આમ આદમી પાર્ટી પર વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે.
આપનો પ્રચાર કરી રહ્યા છે રાઘવ ચડ્ડા
ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ચૂંટણીમાં જંગ જામવાનો છે. કોઈ પણ પાર્ટી પ્રચારમાં કાચુ કાપવા નથી માંગતું. દરેક પાર્ટી પોતાના વરિષ્ઠ અને પ્રભાવશાળી નેતાઓને પ્રચાર માટે ઉતારી રહી છે. ત્યારે આપે પણ રાજ્યસભાના સાંસદ રાઘવ ચડ્ડાને ચૂંટણી પ્રચાર માટે પસંદ કર્યા છે. રાઘવ ચડ્ડા હાલ ગુજરાતના પ્રવાસે છે. ઉપરાંત અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, ભગવંત માન પણ હાલ ગુજરાતના પ્રવાસે છે. પોતાના પ્રવાસ દરમિયાન તેમણે કહ્યું કે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે હું સાચા માર્ગે ચાલીને અને પ્રામાણિક્તાના માર્ગે ચાલીને મારી જવાબદારી નિભાવી શકું. ગુજરાતમાં 27 વર્ષના શાસન બાદ લોકો ભાજપથી કંટાળી ગયા છે.
ગુજરાત માંગે પરિવર્તન - રાઘવ ચડ્ડા
વધુમાં તેમણે કહ્યું હતું કે આજે દરેક ગુજરાતીના મનમાં ત્રણ વાત છે. પ્રથમ વસ્તુ છે પરિવર્તન, બીજુ છે પરિવર્તન અને ત્રીજી વસ્તુ પણ છે પરિવર્તન. કોંગ્રેસ પાર્ટી પરિવર્તન નથી આપી શકી. લોકો અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી પાસે અપેક્ષા રાખી રહ્યા છે. દિલ્હીમાં પણ ગુજરાતની જેમ 15 વર્ષ સુધી એક જ પક્ષના સરકાર હતી. 15 વર્ષ પછી ચૂંટણી થઈ ત્યારે આમ આદમી પાર્ટી પહેલીવાર ચૂંટણી લડી હતી અને દિલ્હીની જનતાએ 15 વર્ષ જૂની સરકારને ફગાવી નાખી હતી. અરવિંદ કેજરીવાલની ગેરેંટીની વાત પર પ્રતિક્રિયા આપતા રાઘવ ચડ્ડાએ કહ્યું કે અરવિંદ કેજરીવાલે ગુજરાતના યુવાનોને રોજગારની ગેરેંટી આપી છે. નોકરીઓ ન મળે ત્યાં સુધી દર મહિને 3000 રુપિયા બેરોજગારી ભથ્થું આપવાની ખાતરી આપી છે તે પૂરી કરશે. ઉપરાંત ગુજરાતના લોકોને પણ દિલ્હી અને પંજાબની જેમ મફતમાં વીજળી આપવામાં આવશે.