પાંચ દિવસ પહેલા દાંડીથી જ્ઞાન સહાયક યોજના નાબુદ કરવામાં આવે તે માટે આમ આદમી પાર્ટીએ યુવા અધિકાર યાત્રા નિકાળી હતી. કરાર આધારિત ભરતી નહીં પરંતુ શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી ટેટ ટાટ પાસ ઉમેદવારોની માગ છે. સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવાનો પ્રયાસ કર્યો પરંતુ તે નિષ્ફળ ગયા છે. આંદોલન કરી રહેલા ઉમેદવારોના સમર્થનમાં કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી આવી છે. કોંગ્રેસે પણ ઉમેદવારોના સમર્થનમાં આવી ધરણાનું આયોજન કર્યું હતું ત્યારે આમ આદમી પાર્ટીએ દાંડી યાત્રા 2.0 નિકાળી છે.
દાંડી યાત્રા 2.0 આજે મોડાસા પહોંચશે
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ભાવિ શિક્ષકો લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. આંદોલનો કરી સરકાર દ્વારા લાવવામાં આવેલા જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કરી રહ્યા છે. સરકાર પોતાના વાત પર, પોતાના આ નિર્ણય પર મક્કમ છે તેવું લાગી રહ્યું છે. સરકાર તરફથી તો કોઈ વાત નથી સાંભળતું પરંતુ રાજકીય પક્ષના ઉમેદવારોને સહકાર, સમર્થન મળી રહ્યું છે. જ્ઞાન સહાયકને નાબુદ કરવામાં આવે તેવી માગ સાથે કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરી છે. શિક્ષણને લઈ સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. દાંડી યાત્રા 2.0નો આજે પાંચમો દિવસ છે. મોડાસા ખાતે આજે યાત્રા પહોંચવાની છે.
આંદોલનનું શું આવશે પરિણામ?
દાંડીથી નીકળેલી યુવા અધિકાર યાત્રામાં યુવરાજસિંહ, ચૈતર વસાવા ઉપરાંત હજારો ટેટ-ટાટ પાસ ઉમેદવારો છે. જ્યાં જ્યાંથી આ યાત્રા પસાર થઈ રહી છે ત્યાં આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આ યાત્રા દરમિયાન યુવરાજસિંહ તેમજ ચૈતર વસાવાએ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. મહત્વનું છે કે ઉમેદવારો પણ આ વખતે લડી લેવાના મૂડમાં છે જ્યારે સરકાર પણ પોતાની વાત પર મક્કમ છે. ત્યારે જોવું રહ્યું કે આ આંદોલનનું પરિણામ આવનાર સમયમાં શું આવે છે?