ગાંધીનગર ખાતે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાઈ રહ્યું છે. આ સમિટમાં ભાગ લેવા માટે દેશ વિદેશથી મહેમાનો ગુજરાત આવ્યા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ સમિટનું ઉદ્ધાટન કરવામાં આવ્યું. આ સમિટને સફળ કરવા માટે કરોડોનો ખર્ચો કરવામાં આવી રહ્યો છે. ત્યારે સમિટમાં કરવામાં આવેલો ખર્ચો વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પગારમાંથી ચૂકવવામાં આવે તેવી રજૂઆત કરતો પત્ર આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ લખ્યો છે.
સમિટના ખર્ચ અંગે ઉમેશ મકવાણાએ કહી આ વાત
ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવતું હોય છે. દેશ વિદેશના ઈન્વેશ્ટર ગુજરાતમાં રોકાણ કરે તે હેતુ સાથે આ વાઈબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે આ વખતે પણ આ સમિટનું આયોજન ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે. 10થી 12 જાન્યુઆરી દરમિયાન ચાલવાવાળા આ સમિટમાં કરોડોનો ખર્ચ કરવામાં આવે છે. ત્યારે સમિટમાં કરવામાં આવતા ખર્ચા પીએમ મોદી તેમજ સીએમ ભૂપેન્દ્ર પટેલના પગારમાંથી ચૂકવવામાં આવે તેવી માગ સાથેનો પત્ર આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ લખ્યો છે. મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે.
થોડા સમય પહેલા પણ ઉમેશ મકવાણાએ લખ્યો હતો પત્ર
મહત્વનું છે કે બોટાદના ધારાસભ્યએ થોડા ટાઈમ પહેલા પણ એક પત્ર લખ્યો હતો અને રજૂઆત કરી હતી કે તેમના સંપત્તિની તપાસ કરવામાં આવે. તે અંગે કોઈ એક્શન ન લેવાતા ધારાસભ્યએ પોતે જ પોતાની મિલકત અંગેની માહિતી આપી. તેમણે એ પણ જણાવ્યું હતું કે જ્યાં સુધી હું ધારાસભ્ય રહીશ, ત્યાં સુધી જનતાને મારી આવક અને સંપત્તિનો હિસાબ દર વર્ષે આપતો રહીશ. ત્યારે ફરી એક વખત ઉમેશ મકવાણાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.