ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ 5 સીટો મેળવી છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્યો એક્ટીવ મોડમાં દેખાઈ રહ્યા છે. ડેડિયાપાડા બેઠકના આપના ધારાસભ્ય ચૈતર વસાવા એક્શન મોડમાં જોવા મળ્યા હતા. નર્મદા કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી હતી જેમાં તેમણે નર્મદા જિલ્લાના સરકારી કામકાજને લઈ અધિકારીઓ પર ગંભીર આરોપો લગાવ્યા હતા.
સરકારી અધિકારી પર લગાવ્યા ગંભીર આરોપ
આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્ય સતત ચર્ચામાં રહે છે. ધારાસભ્યો અલગ અલગ જગ્યાઓની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે ફરી એક વખત ચૈતર વસાવા ચર્ચામાં આવ્યા છે. નર્મદા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન થયું હતું જેમાં ચૈતર વસાવાએ અધિકારીઓ પર ગંભીર આરોપો લગાવ્યા છે.
અનેક મુદ્દાઓને લઈને સરકારને ઘેરી
સરકારી કામો મામલે આરોપ લગાવતા તેમણે કહ્યું કે ભૂતકાળમાં નર્મદા જિલ્લાના મદદનીશ આદિજાતી કમિશ્નરે આદિજાતિને ફાળવવામાં આવતું બજેટનો વહીવટ પોતાની લાગતી વળગતી એજન્સી સાથે મળીને કરી લીધો છે. બાળકો માટે આવેલા 7.50 કરોડ રૂપિયામાં વધારે એસ્ટીમેટ બનાવી ભ્રષ્ટાચાર આચર્યો છે. આવા આરોપો લાગતા ખડભળાટ મચી ગયો છે.
નલ સે જલ યોજનાને લઈ સરકાર પર સાધ્યું નિશાન
તે સિવાય નલ સે જલ યોજનાને લઈને પણ સરકારને તેમણે ઘેરી હતી. તેમણે કહ્યું કે નલ સે જલ યોજના પૂર્ણ બતાવેલી છે પણ કોઈ જગ્યાએ નળમાં પાણી આવ્યું નથી. ઉપરાંત શાળા અને આશ્રમ શાળા માટે ગુજરાત પેટર્નની દર વર્ષે આવતી 4 કરોડ રૂપિયાની ગ્રાન્ટના રૂપિયા પણ પોતાની લાગે વળગતી એજન્સીએ બારોબાર ચૂકવી દીધા છે. તે સિવાય વન વિભાગના અધિકારીઓ પર પણ ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા હતા.