ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ તમામ રાજકીય પાર્ટીઓ તેમના ઉમેદવારોની યાદી જાહેર કરી રહી છે. જો કે જેમ-જેમ ઉમેદવારોના નામ જાહેર થઈ રહ્યા તેમ અસંતુષ્ટ નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી પણ અસંતુષ્ટોના બળવાનો ભોગ બની છે. તાજેતરમાં પાર્ટીના ઉમેદવારોના નામની જાહેરાત થયા બાદ માંગરોળ-ઉમરપાડા આમ આદમી પાર્ટીનાં પ્રમુખ ગૌરાંગ વસાવા ભાજપમાં જોડાઈ જતા આપને જબરદસ્ત ફટકો પડ્યો છે.
AAPથી નારાજ હતા ગૌરાંગ વસાવા
આમ આદમી પાર્ટીએ માંગરોળથી સ્નેહલ વસાવાને ઉમેદવાર બનાવતા ગૌરાંગ વસાવા નારાજ હતા. ગૌરાંગ વસાવાએ થોડીવાર પહેલાં જ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાવાની જાહેરાત કરી હતી. ગૌરાંગ વસાવાએ પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના હસ્તે કેસરિયો ધારણ કર્યો હતો. AAPથી છેડો ફાંડ્યા બાદ ગૌરાંગ વસાવાએ આમ આદમી પાર્ટી પર પૈસા લઈને ટિકિટ અપાતા હોવાનો આરોપ લગાવ્યો હતો.