આમ આદમી પાર્ટીના નેતાઓ દાવો કરી રહ્યા છે કે આજે ઈડી દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી શકે છે. 4 જાન્યુઆરીએ અરવિંદ કેજરીવાલને જેલ હવાલે કરવામાં આવશે તેવી પોસ્ટ આપના નેતાઓ દ્વારા ત્રીજી જાન્યુઆરીથી કરવામાં આવી રહી છે. પોસ્ટમાં એવો દાવો કરાઈ રહ્યો છે કે ઈડી પહેલા કેજરીવાલના ઘરે રેડ કરશે અને પછી તેની ધરપકડ કરશે. આ બધા વચ્ચે આપના નેતાઓ કાર્યાલય ખાતે એકત્રિત થઈ રહ્યા છે તેવી માહિતી મળી છે. મહત્વનું છે કે દારૂ કૌભાંડ મામલે ઈડીએ તેમને સમન્સ મોકલ્યું હતું. આ મામલે હાજર થવા ઈડીએ કેજરીવાલને ત્રણ વખત સમન્સ પાઠવ્યું હતું પરંતુ તે ઈડી સમક્ષ પેશ થયા ન હતા. ત્યારે આપના નેતાઓ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આજે અરવિંદ કેજરીવાલની ધરપકડ ઈડી કરી શકે છે.
ઈડીએ અનેક વખત અરવિંદ કેજરીવાલને પાઠવ્યા છે સમન્સ
દિલ્હી લિકર પોલિસી કેસ મામલે અરવિંદ કેજરીવાલને ઈડીએ ત્રણ વખત સમન્સ પાઠવ્યું હતું. પૂછપરછ માટે ઈડીએ ત્રણ વખત બોલાવ્યા પરંતુ તે એક પણ વખત હાજર થયા ન હતા. ગઈકાલે હાજર થવાની તારીખ હતી પરંતુ તે ઈડી સમક્ષ જવાબ આપવા રજૂ ન થયા હતા. એવી વાત પણ કહેવામાં આવી કે અરવિંદ કેજરીવાલ ચૂંટણીને લઈ તૈયારીઓમાં વ્યસ્ત છે. મહત્વનું છે કે ઈડીએ તેમને 2 નવેમ્બરે, 21 ડિસેમ્બરે હાજર થવા માટે કહ્યું હતું. બંને સમન્સને તેમણે ગેરકાયદેસર ગણાવી હતી તેમજ તે રાજકીય રીતે પ્રેરિત છે તેવી વાત કહી હતી અને ઈડી સમક્ષ હાજર થયા ન હતા. મહત્વનું છે કે આ પહેલીવાર નથી જ્યારે આપ દ્વારા ધરપકડનો દાવો કરવામાં આવ્યો હોય. આની પહેલા પણ આવો દાવો કરવામાં આવ્યો છે.