આમ આદમી પાર્ટીના નેતા રાજેન્દ્ર પાલ ગૌતમ ધર્માતરણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા તે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વાયરલ વિડીયોને લઈ અનેક વિવાદ સર્જાયા હતા. આ ઘટનાની છાંટા ગુજરાત સુધી પહોંચ્યા હતા. વિડીયો વાયરલ થયા બાદ અરવિંદ કેજરીવાલના અનેક પોસ્ટર લગાવવામાં આવ્યા હતા જેમાં તેમને હિંદુ વિરોધી દર્શાવામાં આવ્યા હતા. રાજેન્દ્ર પાલે અનેક હિંદુ દેવી દેવતાઓ વિરુદ્ધ પણ વિવાદીત નિવેદન આપ્યા હતા. જે બાદ રવિવારના રોજ તેમણે રાજીનામું આપી દીધું છે.
અનેક બંધનોમાંથી મુક્ત થયો - રાજેન્દ્ર પાલ ગૌતમ
સૂત્રોના પ્રમાણે તેમના આ નિવેદનથી અરવિંદ કેજરીવાલ પણ નારાજ થયા હતા. પોતાના નિવેદન પર જોરદાર હોબાળો થયા બાદ રાજીનામુું ટ્વિટ કરતા તેમણે લખ્યું કે આજે મહર્ષી વાલ્મીકીજીનો પ્રાગટ્ય દિવસ છે તેમજ કાંશીરામ સાહેબની પુણ્યતિથિ પણ છે. આવા સંજોગોમાં હું આજે અનેક બંધનમાંથી મુક્ત થયો અને આજે મારો નવો જન્મ થયો છે. હું વધુ મજબૂતીથી સમાજ પર થતાં અત્યાચારો તેમજ અધિકારોની લડાઈને કોઈ પણ જાતના બંધન વગર યથાવત રાખીશ.