રાજ્યમાં વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે ત્યારે નેતાઓ પર હુમલા પણ વધી રહ્યા છે. સુરતમાં આપના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા પર જીવલેણ હુમલો થયો હતો. મનોજ સોરઠિયા સુરતના સરથાણા સ્થિત સિમાડાનાકા ખાતે ગણેશ પંડાલનું આયોજન જોવા ગયા હતા. આ સમયે કેટલાક તોફાની તત્વો મનોજ સોરઠિયા પર ધસી આવ્યા હતા અને માથા પર લાકડીથી ફટકા માર્યા હતા. મનોજ સોરઠિયાને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
હુમલા પાછળ કોનો હાથ?
આમ આદમી પાર્ટીએ આ હુમલા પાછળ ભાજપનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે. આ મામલે અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કડક પગલા લેવા અપીલ કરી છે. આમ આદમી પાર્ટીના નેતા કૈલાશભાઈએ ભાજપ પર નિશાન સાધી ગૃહમંત્રીના રાજીનામાંની માગ કરી છે.
પ્રભારી સંદીપ પાઠક અને સાંસદ રાઘવ ચઢ્ઢા આજે પહોંચશે સુરત
આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રભારી ડો. સંદીપ પાઠક અને આપ સાંસદ રાઘવ ચઢ્ઢા આજે બપોરે સુરત પહોંચશે. આપનાં આ અગ્રણી નેતા મનોજ સોરઠીયાના ખબરઅંતર પુછવા સુરતની સ્લીમેર હોસ્પિટલમાં તેમની સાથે મુલાકાત કરશે.