ગુજરાતની ચૂંટણી નજીક આવી રહી છે તેમ નેતાઓના ભાષણો પણ તીખા થઈ રહ્યા છે અને એકબીજા પર આરોપ-પ્રત્યારોપ પણ શરૂ કરી દીધા છે ત્યારે વડોદરામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 3 રાજ્યના પ્રભારી ડૉ. અજય કુમારે અરવિદ કેજરીવાલ પર ગંભીર આરોપો લગાવ્યા હતા. અજય કુમારે પત્રકાર પરિષદમાં કેજરીવાલ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, અરવિંદ કેજરીવાલ પોતે આમ આદમી હોવાનો ઢોંગ કરે છે, પરંતુ જનતા બધું જાણે છે. જનતા મૂર્ખ નથી.
AAP ભગતસિંહના નામ પર કરી રહી છે રાજનીતિ
ડૉ. અજય કુમારે આપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે આમ આદમી પાર્ટીની કોઈ વિચારધારા નથી. આ લોકો જયારે આંદોલન કરતા હતા ત્યારે ગાંધીજીની વાત કરતા હતા અને અત્યારે ગાંધીજીનો ફોટો પણ હટાવી દીધો. આ બેશરમ લોકો ગુજરાતમાં આવી આંબેડકર અને ભગતસિંહના ફોટો રાખી રહ્યા છે. વધુ એમણે કહ્યું કે, કેજરીવાલ સાદગીના નાટક કરે છે. તે દિલ્હીમાં પોતાના ઘરનું કરોડોમાં રીનોવેશન કરાવે છે અને ગુજરાતમાં રિક્ષામાં બેસવાના નાટક કરે છે. તે દિલ્હીમાં ક્યારેય રિક્ષામાં નથી બેસતા.
કેજરીવાલના દિલ્લી મોડેલ પર ઉઠાવ્યા સવાલો
આમ આદમી પાર્ટીના દિલ્લી મોડેલ પર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે, આજે 40 ટકાથી પણ વધુ વિદ્યાર્થીઓ ખાનગી સ્કૂલમાં છે. AAPની સરકારમાં વિદ્યાર્થીઓ સરકારી સ્કૂલો છોડવા લાગ્યા છે. દિલ્હીમાં 500 સ્કૂલના દાવા સામે માત્ર 63 સ્કૂલો બનાવી છે. સૌથી વધારે બેરોજગારી દિલ્હીમાં છે. આઠ વર્ષમાં એક પણ રોડ અને ફ્લાય ઑવર નથી બનાવ્યો. કેજરીવાલે સરકારી ખજાનાને નુકસાન કરવાનું કામ કર્યું છે. કેજરીવાલે દારૂ પર કંપનીના ટેક્સ ઓછો કરી કંપનીને ફાયદો કરાવી કમાણી કરી છે.
પ્રધાનમંત્રીની માતા એ આપણી માતાઃ કોંગ્રેસ
ડૉ. અજય કુમારે ગોપાલ ઈટાલિયા દ્વારા પ્રધાનમંત્રીના માતા વિશે કરેલા અપમાનનો વિરોધ કરતા જણાવ્યું હતું કે, અમેં પણ નરેન્દ્ર મોદીના વિરોધી છીએ પરંતુ પ્રધાનમંત્રીની માતા એ આપણી માતા છે અને માતાનું અપમાન કરનારે દેશની માફી માગવી જોઈએ. ફક્ત ગોપાલ ઈટાલિયાએ નહીં પરંતુ અરવિંદ કેજરીવાલ અને મનીષ સીસોદિયાએ પણ સાર્વજનિક રીતે દેશની માફી માગવી જોઈએ.