ગુજરાતમાં એકબાદ એક અલગ અલગ કૌભાંડો ઉજાગર થઈ રહ્યા છે. પરીક્ષામાં પણ કૌભાંડો થતા હોવાની વાત અનેક વખત કરવામાં આવતી હોય છે. ત્યારે હાલ જે કૌભાંડની ચર્ચા થઈ રહી છે તે ઉર્જા વિભાગની ભરતીમાં થઈ હોવાની ગેરરીતિ અંગે થઈ રહી છે. આ મામલે વધુ 9 લોકોની ધરપકડ કરાઈ છે. મહત્વનું છે કે ઉર્જા કૌભાંડમાં હજી સુધી 15 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે હજી તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે આ મામલે આમ આદમી પાર્ટીએ સરકાર પર પ્રહાર કર્યા છે.
ઉર્જા ભરતી કૌભાંડમાં થઈ છે અનેક લોકોની ધરપકડ
એક તરફ બેરોજગાર લોકો નોકરી માટે વલખા મારી રહ્યા છે. તો બીજી તરફ પૈસા આપી અનેક લોકો નોકરી મેળવી રહ્યા છે. અનેક કૌભાંડો સામે આવી રહ્યા છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં ડમી ઉમેદવારો બેસાડવામાં આવતા હોવાનો ઘટસ્ફોટ યુવરાજસિંહે કર્યો હતો. ડમી કાંડ મામલે તપાસ કરવામાં આવી રહી છે. જેલ ગયા તે પહેલા યુવરાજસિંહ દ્વારા ઉર્જા ભરતીમાં થતા કૌભાંડનો મુદ્દો ઉઠાવ્યો હતો. ઉર્જા ભરતીમાં થઈ રહેલી તપાસમાં 15 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આમ આદમી પાર્ટીએ આ મામલે સરકાર પર પ્રહાર કર્યા છે.
આપે સરકાર પર કર્યા ગંભીર આક્ષેપ!
આમ આદમી પાર્ટીએ એક ટ્વિટ કરી છે જેમાં તેમણે લખ્યું છે કે પૈસા આપો, નોકરી લો... મહેનત કરવાથી હવે નહીં થાય બેડો પાર, કેમ કે ગુજરાતમાં છે ભ્રષ્ટાચારી ભાજપની સેટિંગની સરકાર. એ વાતને પણ નકારી ન શકાય કે એક તરફ નોકરી માટે યુવાનો વલખા મારી રહ્યા છે તો બીજી તરફ પૈસાના દમથી નોકરી ખરીદી અનેક યુવાનો એસોઆરામની જીંદગી જીવી રહ્યા છે. TET-TATના ઉમેદવારોની પણ શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ છે. કરાર આધારીત ભરતી બંધ કરી શિક્ષકોના ભવિષ્ય સાથે ચેડા ન કરવામાં આવે તેવી તેમની સરકાર પાસેથી આશા છે.