કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગુજરાતની 26 બેઠકો માટે ગઠબંધન થયું છે. 24 બેઠકો પર કોંગ્રેસ લડશે અને બે બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર લડશે.7 માર્ચે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશવાની છે. એવું માનવામાં આવી રહ્યું હતું કે ગઠબંધન થયું છે માટે આમ આદમી પાર્ટીના ઉમેદવાર, નેતાઓ, કાર્યકરો સામેલ થશે આ યાત્રામાં ત્યારે એવી માહિતી સામે આવી છે કે આમ આદમી પાર્ટીને રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં સામેલ થવા માટે કોંગ્રેસ તરફથી આમંત્રણ મળ્યું છે. આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઈસુદાન ગઢવી અને કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી.
રાહુલ ગાંધીની યાત્રા પહેલા કોંગ્રેસમાં સર્જાયું ભંગાણ!
લોકસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરી છે. ગુજરાતમાંથી પણ આ યાત્રા પસાર થવાની છે. રાહુલ ગાંધી ગુજરાતમાં પ્રવેશે તે પહેલા કોંગ્રેસમાં ભંગાણ જોવા મળ્યું છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પોરબંદર ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. અર્જુન ડેરે પણ કોંગ્રેસને અલવિદા કહી દીધું છે. આ બધા વચ્ચે એવી માહિતી સામે આવી છે કે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં આમ આદમી પાર્ટી પણ જોડાશે. શક્તિસિંહ ગોહિલે ઈસુદાન ગઢવી સાથે ફોન પર વાતચીત કરી હતી અને રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં જોડાવા માટે આમંત્રણ આપ્યું છે.
આમ આદમી પાર્ટીના નેતાઓ જોડાશે ભારત જોડો ન્યાય યાત્રામાં!
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સહીત આગેવાનો 7 તારીખે યાત્રામાં જોડાશે. થોડા દિવસની અંદર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી તરફથી પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે અને આ અંગેની જાહેરાત કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે. મહત્વનું છે ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થયું છે. કોંગ્રેસ 24 લોકસભા બેઠક પર ઉમેદવાર ઉતારશે જ્યારે ભરૂચ અને ભાવનગર લોકસભા સીટ માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. ભરૂચ લોકસભા સીટ પર આપે ચૈતર વસાવાને મેદાનમાં ઉતાર્યા છે જ્યારે ભાવનગર લોકસભા બેઠક માટે ઉમેશ મકવાણાના નામની જાહેરાત કરી દીધી છે.