2022 વિધાનસભા ચૂંટણીને લઈ ગુજરાતમાં રાજકારણ
ગરમાઈ રહ્યું છે. આ વખતે ગુજરાતમાં ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. ભાજપ, કોંગ્રેસ
સિવાય પહેલી વખત ગુજરાતની રાજનીતિમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ છે. ભાજપ અને આપ
વચ્ચે સતત આક્ષેપ પ્રતિઆક્ષેપ ચાલી રહ્યો છે. ત્યારે ફરી એક વખત ગોપાલ ઈટાલીયાએ
ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે.
આંદોલનનો લાભ ઉઠાવતી રાજકીય પાર્ટી
ચૂંટણી નજીક આવતા સરકાર પ્રેશરમાં આવી રહી છે. પડતર માગણીઓ સરકાર સુધી પહોંચાડવાનો આ સુવર્ણ સમય લોકો સમજી રહ્યા છે. માગણીઓને લઈ અનેક લોકો વિરોધ પ્રદર્શન કરી સરકારનો ઘેરાવ કરી રહ્યા છે. આરોગ્ય કર્મચારી, ખેડૂત, ભૂતપૂર્વ સૈનિકો પોતાની માગણીને લઈ સરકાર વિરૂદ્ધ બાયો ચડાવી દીધી છે. પોલીસ ગ્રેડ પેનો મુદ્દો માંડ શાંત પડ્યો છે ત્યારે આરોગ્ય કર્મચારીઓ, ખેડૂતો તેમજ માજી સૈનિકો ધરણા કરી રહ્યા છે. આંદોલન વધતા આનો લાભ રાજકીય પાર્ટી લઈ રહી છે.
આપે આપી પ્રતીક્રિયા
વધતા આંદોલનો વચ્ચે પોતાની મતબેંકને બનાવા આપ પ્રયાસ કરી રહી છે. ધરણા કરી રહેલા લોકોની સાથે આપ પણ સરકારને ઘેરવાનો પ્રયાસ કરી પોતાની રાજનીતિ કરી રહી છે. ચાલતા આંદોલનો વચ્ચે ગોપાલ ઈટાલીઆએ નિવેદન આપ્યું છે કે જનતાને સુવિધા આપવાની વાત આવે, પોલીસ ગ્રેડપેની વાત આવે, સૈન્યના ભૂતપૂર્વ જવાનોને એમના અધિકાર આપવાની વાત આવે ત્યારે સરકાર એમ કહે છે કે અમારી પાસે રૂપિયા નથી, ત્યારે બીજી બાજૂ ધારાસભ્યોના ખરીદ-વેચાણ વખતે એમની પાસે કરોડો રૂપિયા આવી જાય છે.
ગુજરાતમાં બદલાઈ શકે છે રાજકીય સમીકરણ
ચૂંટણી નજીક આવતા ભાજપની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. એક બાદ એક આંદોલનો ચાલી રહ્યા છે. અનેક પ્રદર્શનકારી સરકાર વિરૂદ્ધ આંદોલનો ચલાવી, ભાજપ સરકારની ચિંતામાં વધારી રહ્યા છે. ત્યારે ભાજપને આ વખતે સરકાર બનાવામાં મુશ્કેલી પડશે કે સફળ થશે તે પરિણામ જ બતાવશે.