જ્ઞાનસહાયકને રદ્દ કરાવા માટે ટેટ-ટાટના ઉમેદવારો ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. સરકાર સુધી તેમની વાત પહોંચે તેવા પ્રયત્નો ઉમેદવારો દ્વારા કરાઈ રહ્યા છે. અનેક વખત ઉમેદવારો દ્વારા અલગ અલગ રીતે જ્ઞાન સહાયકનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોઈ વખત મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવે છે તો કોઈ વખત ભગવાનને પત્ર લખી રજૂઆત કરવામાં આવે છે. ઉમેદવારોના સમર્થનમાં પહેલા કોંગ્રેસ પાર્ટી આવી હતી ત્યારે હવે ઉમેદવારોના સમર્થનમાં આમ આદમી પાર્ટી આવી છે. આપના નેતા યુવરાજસિંહ જાડેજા તો ઉમેદવારના સમર્થનમાં હતા જ. કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા શિક્ષણ બચાવ ધરણામાં તેઓ હાજર રહ્યા હતા.
થોડા દિવસ પહેલા કોંગ્રેસે કર્યા હતા ધરણા
ગુજરાતમાં શિક્ષણની પરિસ્થિતિ પ્રતિદિન કથળી રહી છે. શિક્ષણનું સ્તર ઘટી રહ્યું છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે, એવા વીડિયો છે જેમાં શિક્ષણની ખરી વાસ્તવિક્તા શું છે તે ઉજાગર થાય છે. ત્યારે ગુજરાતના ભાવિ શિક્ષકો છેલ્લા ઘણા સમયથી શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. શિક્ષણ ક્ષેત્રે થઈ રહેલા ખાનગીકરણનો વિરોધ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો.
આમ આદમી પાર્ટી કરશે યુવા અધિકાર યાત્રા
ત્યારે જ્ઞાન સહાયક મુદ્દે આમ આદમી પાર્ટી પણ સરકાર સમક્ષ આવી છે. ઉમેદવારના સમર્થનમાં આમ આદમી પાર્ટી યુવા અધિકાર યાત્રા કરશે. દાંડીથી સાબરમતી આશ્રમ સુધી આ યાત્રા નીકળશે. 13 ઓક્ટોબરથી આ યાત્રાનો પ્રારંભ થશે જે 20 ઓક્ટોબર સુધી ચાલશે. આમ આદમી પાર્ટી દ્વારા આનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.
ઈસુદાન ગઢવીએ કરી મહત્વપૂર્ણ જાહેરાત
આ મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં ઈસુદાન ગઢવી, યુવરાજસિંહ જાડેજા હાજર હતા. ઈસુદાન ગઢવીએ કીધું કે જ્ઞાનસહાયક જેવી યોજના લાવી ભાજપ યુવાનોનું ભવિષ્ય અંધકારમય બનાવી રહી છે. યુવરાજસિંહ જાડેજા તેમજ ચૈતર વસાવાની આગેવાનીમાં આ દાંડી કૂચ નીકળવાની છે તેવી જાહેરાત કરવામાં આવી છે.મહત્વનું છે કે ઘણા સમયથી ઉમેદવારો જ્ઞાન સહાયકનો વિરોધ કરી રહ્યા છે.