ગુજરાતમાં ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. ગુજરાતમાં આ વખતે ત્રિપાંખીયો જંગ જામવાનો છે. કોંગ્રેસ અને ભાજપની સાથે આપ પણ ચૂંટણી મેદાનમાં ઉતરી છે. એક તરફ જ્યાં ભાજપ અને કોંગ્રેસ ઉમેદવારોના નામ માટે વિચારણા કરી રહી છે તો બીજી તરફ આમ આદમી પાર્ટી ઉમેદવારોનું 11મું લિસ્ટ આજે જાહેર કરવાની છે.
પ્રેસ કોન્ફરન્સ કરી ઉમેદવારોના નામની જાહેરાત કરશે
ગુજરાતમાં આમ આદમી પાર્ટી પોતાના પ્રચારમાં ઘણી મહેનત કરી રહી છે. અરવિંદ કેજરીવાલ અનેક વખત ગુજરાત આવી આમ આદમી પાર્ટીનો પ્રચાર કરી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી અનેક નેતાઓ આપમાં જોડાઈ રહ્યા છે. ગોપાલ ઈટાલિયા અને અલ્પેશ કથીરિયા પ્રેસ કોન્ફરન્સ કરી ઉમેદવારોના નામ જાહેર કરશે.
ગોપાલ તેમજ અલ્પેશના નામ હોઈ શકે છે આ યાદીમાં
ઈસુદાન ગઢવીની પસંદગી આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રીના ચહેરા તરીકે કરી છે. 10 વખત આપે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે જેમાં યુવરાજસિંહ, મહિપતસિંહ સહિત અનેક નેતા કર્યાથી ચૂંટણી લડશે તે બતાવવામાં આવ્યું છે પરંતુ ગોપાલ ઈટાલિયા, ઈસુદાન ગઢવી સહિત અનેક નામી ચહેરા ક્યાંથી ચૂંટણી મેદાનમાં ઉતરશે તેની જાહેરાત નથી કરવામાં આવી. ત્યારે આ યાદીમાં ગોપાલ ઈટાલિયા, અલ્પેશ કથીરિયાના નામ હશે તેવું ચર્ચાઈ રહ્યું છે.