લોક સભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં આમ આદમી પાર્ટીને એક પછી એક મોટા ઝટકા લાગી રહ્યા છે. આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ અને આદિવાસી નેતા અર્જુન રાઠવાએ પોતાના તમામ પદો પરથી રાજીનામું ધરી દીધું છે. તેમણે પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રભારી તથા રાષ્ટ્રીય સંગઠન મંત્રી ડો. સંદીપ પાઠકને રાજીનામું લખીને મોકલી આપ્યું છે. અર્જુન રાઠવાના રાજીનામા બાદ તેઓ કયા પક્ષમાં જોડાશે તેની કોઈ સ્પષ્ટતા સામે આવી નથી. ગુજરાતના પ્રદેશ ઉપાધ્યક્ષ અર્જૂન રાઠવાએ રાજીનામું ધરી દેતા AAPએ એક કદાવર આદિવાસી નેતા ગુમાવ્યો છે.
2013થી AAP સાથે જોડાયેલા હતા
ગુજરાતમાં આમ આદમી પાર્ટીના સીનિયર નેતા અને ઉપાધ્યક્ષ અર્જૂન રાઠવાએ રાજીનામું આપી દેતા રાજકારણ ગરમાયું છે. અર્જૂન રાઠવા 2013થી આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા જ્યારે ગઇ વિધાનસભા ચૂંટણીમાં છોટાઉદેપુર બેઠક ઉપરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર પણ રહી ચૂક્યા છે. તેમણે લખેલા રાજીનામા પત્રમાં કહ્યું છે કે, હું મારી ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ તેમજ રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય તરીકેની જવાબદારીમાંથી તેમજ સામાન્ય સભ્યપદેથી રાજીનામું આપું છું, જે સ્વીકારવા વિનંતી છે.
નેતૃત્વની કાર્યશૈલી સામે સવાલો ઉઠાવ્યા
અર્જૂન રાઠવાએ મીડિયા સાથે વાત કરતા રાજીનામું આપવા પાછળ પ્રદેશના નેતૃત્વની કાર્યશૈલી સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે અર્જૂન રાઠવાએ જણાવ્યું છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું જે નેતૃત્વ સંભાળી રહ્યા છે તે ગંભીરતાપૂર્વક કામગીરી નથી કરતા, જેને લઈને વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને નુકસાન ગયું તેમજ ચૂંટણી બાદ પણ જે સમીક્ષા કરવાની હોય તે પક્ષે કરી કરી, એટલે પક્ષનું નેતૃત્વ ગંભીરતાપૂર્વક કામ નથી કરતું જેને લઇ રાજીનામું આપ્યું છે, તો આવનારા સમયમાં ભાજપ કે કોંગ્રેસમાં જોડાવા મુદ્દે અર્જૂન રાઠવાએ હાલ કોઈ સ્પષ્ટતા કરી નથી.