નાના હતા ત્યારે દાદીમાં આપણને વાર્તા કહેતા હતા. રાજા રાણીની વાર્તા હોય કે પરીઓની વાર્તા હોય. પરંતુ મોટા થયા ત્યારથી આ વાર્તાઓ આપણને ભૂલાઈ રહી છે. આજે વાર્તાની વાત એટલા માટે કરવામાં આવી રહી છે કારણ કે રાજકારણમાં આજકાલ વાર્તાનો સહારો લઈ એક બીજા પર નિશાન સાધવામાં આવી રહ્યું છે. ગઈકાલે અરવિંદ કેજરીવાલે વિધાનસભામાં એક વાર્તા સંભળાવી હતી જેના જવાબમાં ભાજપે પણ એક વાર્તા લાવી દીધી હતી.
વિધાનસભામાં અરવિંદ કેજરીવાલે કહી વાર્તા!
અરવિંદ કેજરીવાલ ઘણા સમયથી ચર્ચામાં છે. સીબીઆઈ દ્વારા પૂછપરછની વાત હોય કે પછી વડાપ્રધાન મોદીની ડિગ્રીને લઈ કરવામાં આવેલી વાત હોય. આ બધા વચ્ચે ગઈકાલે અરવિંદ કેજરીવાલે વિધાનસભામાં એક વાર્તા કહી હતી. વાર્તાનો ઉપયોગ કરી તેમણે આડકતરી રીતે વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતું. વાર્તાનું શિર્ષક હતું ચોથી ફેલ રાજા. આ વાર્તામાં તેમણે નામ લીધા વગર વડાપ્રધાન મોદી પર પ્રહાર કર્યા હતા.
ભાજપ લઈને આવ્યું નમકહરામની વાર્તા!
આ વાર્તાના જવાબમાં ભાજપ પોતાની વાર્તા લઈને આવી. કપિલ મિશ્રાએ એક વાર્તા ટ્વિટ કરી હતી જેમાં લખવામાં આવ્યું હતું કે 'કહાની એક નમકહરામની. જેણે પૈસા અને સત્તા માટે આંદોલનથી, પોતાના ગુરૂથી, પોતાના મિત્રોથી, જનતાથી અને પોતાના દેશથી નમકહરામી કરી. આજે આ નમકહરામ જેલમાં જવાથી ડરી રહ્યા છે. શું તમે જાણો છો નમકહરામનું નામ?'