આ વખતની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી હોવા છતાં ભાજપે 156 સીટો પર કબજો મેળવી લીધો છે. કોંગ્રેસે 17 સીટો મેળવી છે જ્યારે આપે 5 સીટો મેળવી છે. ત્યારે મળતી માહિતી મુજબ વિસાવાદરથી આમ આદમી પાર્ટીના વિજેતા ઉમેદવાર ભૂપત ભાયાણી કેસરિયો ધારણ કરી શકે છે.
ભાજપના ઉમેદવારને હરાવી મેળવી હતી જીત
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. 182માંથી ભાજપે 156 સીટો મેળવી છે. ગાંધીનગર ખાતે આવતી કાલે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી પદના શપથ લેવાના છે. આ સમારોહમાં ભાગ લેવા વડાપ્રધાન મોદી પણ ગુજરાત આવવાના છે. ત્યારે આમ આદમી પાર્ટીને એક બહુ મોટો ઝાટકો લાગ્યો છે. વિસાવદરથી વિજયી થયેલા આપના ઉમેદવાર ભૂપત ભાયાણી ભાજપમાં જોડાઈ શકે છે. બે વર્ષ પહેલા જ ભાજપનો છેડો ફાળી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. પરંતુ એવા અહેવાલ મળી રહ્યા છે કે તેઓ કમલમ ખાતે ભાજપમાં જોડાઈ ઘરવાપસી કરી શકે છે. આ વખતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીએ ભાજપના હર્ષદ રિબરીયાને હરાવ્યા હતા. આ અંગે જ્યારે ભૂપત ભાયાણી સાથે વાત કરવામાં આવી હતી ત્યારે તેમણે કહ્યું કે આ વાતો માત્ર અફવા છે. આ અંગે તેમણે નિર્ણય નથી લીધો.