ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. ગમે ત્યારે ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે. આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. ત્યારે આમ આદમી પાર્ટી પણ ચૂંટણીને લઈ એકદમ ગંભીર બની છે. તબક્કાવાર આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી રહી છે. ત્યારે આજે આપે ઉમેદવારોનું છઠ્ઠું લિસ્ટ જાહેર કર્યું છે.
ભાજપે તેમજ કોંગ્રેસે નથી કર્યા ઉમેદવારોના નામ જાહેર
ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. ચૂંટણી પંચની ટીમ પણ ગુજરાતની મુલાકાતે આવી હતી અને તમામ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. જે બાદ હવે થોડા સમયમાં જ ચૂંટણીની તારીખ જાહેર થઈ જશે. ભાજપ તેમજ કોંગ્રેસમાંથી કોઈએ પણ ઉમેદવારોના નામ જાહેર નથી કર્યા ત્યારે આમ આદમી પાર્ટીએ હજી સુધી 73 ઉમેદવારોનું નામ જાહેર કર્યા છે. આમ આદમી પાર્ટીએ તબક્કાવાર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આજે છઠ્ઠું લિસ્ટ આપે જાહેર કર્યું છે. ભૂજથી આપે રાજેશ પંડોરિયાને મેદાનમાં ઉતાર્યા છે. ઈડરથી જયંતીભાઈ પ્રણામી, અમદાવાદની નિકોલ સીટ પરથી અશોક ગજેરાને મેદાનમાં ઉતાર્યા છે. કોડિનારથી વાલજીભાઈ મકવાણા ચૂંટણી લડવાના છે. મહુધા બેઠક પરથી રવજીભાઈ વોઘેલા, બાલાસિનોરથી ઉદયસિંહ ચૌહાણ ચૂંટણી માટે મેદાનમાં ઉતાર્યા છે.