આમ આદમી પાર્ટીએ ઈસુદાન ગઢવીને મુખ્યમંત્રી પદનો ચહેરો બનાવ્યા, જાણો કોણ છે ઈસુદાન ગઢવી? અતથી ઇતિ સુધી...


  • Published By :
  • Published Date : 2022-11-04 16:36:42

ગુજરાતના પત્રકારોનો એક જાણીતો ચહેરો અચાનક "ટાઈગર અભી ઝીંદા હૈ"ની પોસ્ટ કરીને પત્રકારત્વના પોતાના ઉંચા હોદ્દા પરથી રાજીનામું આપી દે છે અને ગુજરાતને આશ્ચર્યમાં મૂકી દે છે… આ પત્રકાર એટલે ઈસુદાન ગઢવી, જાણો ખેડૂત પુત્ર ઈસુદાન ગઢવીની પત્રકારથી આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીના પદના સંભવિત ઉમેદવાર તરીકેની સફર…. 


વર્ષ 2003ના સમયની વાત છે જ્યારે ઈસુદાન ભણતા હતા ત્યારે એક પત્રકાર ત્યાં કોલેજમાં આવે છે અને કોલેજની સમસ્યાઓ વિશે સવાલો ઉઠાવે છે. એક યુવાન પત્રકારની સવાલ પૂછવાની ક્ષમતા જોઈને પ્રભાવિત થાય છે અને ગુજરાત વિદ્યાપીઠમાં પત્રકારત્વમાં જોડાઈ જાય છે. આ યુવાન એટલે ઈસુદાન ગઢવી.


ઈસુદાન ગઢવીનો પરિવાર અને અભ્યાસ

જામખંભાળિયાના પીપળિયા ગામમાં 10 જાન્યુારી 1982ના રોજ તેમનો જન્મ થયો હતો. તેમના પિતા ખેરાજભાઈ ગઢવી ખેડૂત હતા. ઈસુદાન ગઢવી હાલ અમદાવાદના બોપલ વિસ્તારમાં રહે છે. તેમનો પરિવાર પીપળિયામાં સંયુક્ત રીતે રહે છે. એક નાના ગામથી અમદાવાદમાં પત્રકારત્વ ભણવા આવેલા ઈસુદાન ગઢવી માટે આ દુનિયા નવી હતી. તેઓ વર્ષ 2005માં  ગુજરાત વિદ્યાપીઠમાં પત્રકારત્વનો અભ્યાસ કરે છે અને ત્યાર બાદ વર્ષ 2007માં પોરબંદરમાં સ્ટ્રીંગર તરીકે જોડાય છે. સ્ટ્રિંગર એટલે કોઈ પણ સમાચારની સંસ્થા સાથે જોડાયેલો એવો વ્યક્તિ જેને સમાચાર સંસ્થાને ન્યૂઝ રિપોર્ટ આપવાના હોય છે. ન્યૂઝ રિપોર્ટ મુજબ તેમને પગાર મળતો હોય છે.

 

મહામંથન ઈસુદાન ગઢવીના જીવનનો મોટો વળાંક

ત્યારબાદથી તેઓ અનેક સંસ્થાઓ સાથે જોડાતા ગયા. એક ખાનગી ચેનલમાં રહી તેઓએ દક્ષિણ ગુજરાતના જંગલોમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારોને સરકાર સમક્ષ લાવે છે અને ગુજરાત સરકારને સફાળું જાગવું પડે છે. ત્યારબાદથી તેઓ અનેક ચેનલ સાથે જોડાયા પરંતુ તેમના પત્રકારત્વ જીવનમાં વળાંક આવે છે જ્યારે તેઓ વર્ષ 2016માં રિપોર્ટરથી બદલીને એન્કર તરીકેની ભૂમિકામાં આવે છે. પ્રાઈમ ટાઈમની અંદર તેઓ મહામંથન કરીને કાર્યક્રમમાં એન્કર તરીકે શો ચલાવે છે અને આ શો ગુજરાતભરમાં હિટ રહે છે. આ શોની અંદર તેઓ ખેડૂતો અને ગુજરાતના ગામડાઓના પ્રશ્નોને ઉઠાવે છે. આથી ગુજરાતમાં તેમની લોકપ્રિયતા વધે છે.  


“ટાઈગર અભી ઝીંદા હૈ”ની પોસ્ટ

વર્ષ 2021માં 16 વર્ષની પત્રકારિતા બાદ તેઓ પોતાની કારકિર્દીના એક ઉંચા સ્થાનેથી રાજીનામું આપે છે. પત્રકારત્વ છોડવાની જ્યારે તેમણે વાત રજૂ કરી હતી ત્યારે ગુજરાતની અંદર માત્ર ઈસુદાન ગઢવીનું નામ જ સંભળાતું હતું. લોકોને સમાચારની અંદર શું આવે છે તેની જગ્યાએ ઈસુદાન હવે શું કરેશે તે જાણવાની ઈચ્છા વધારે હોય તેવો માહોલ હતો. લોકો વધારે ત્યારે ચોંકી જાય છે જ્યારે તેઓ ‘ટાઈગર અભી ઝીંદા હૈ’ લખીને એક પોસ્ટ કરે છે. 14 જૂન 2021માં તેઓ આમ આદમી પાર્ટીની અંદર જોડાઈ જાય છે. 


આ કારણથી ઈસુદાન રાજકારણમાં જોડાયા 

ઈસુદાન ગઢવી જ્યારે આપમાં જોડાય છે ત્યારે આપના નેતા અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ નિવેદન આપે છે કે ગુજરાતના કેજરીવાલ ઈસુદાન ગઢવી છે. આ નિવેદન તે સમયનું બહું મોટું નિવેદન હતું કારણ કે અરવિંદ કેજરીવાલના નિવેદનથી લોકોને એવું લાગ્યું હતું કે અરવિંદ કેજરીવાલ કહી રહ્યા છે કે ઈસુદાન ગઢવીને અમેં મુખ્યમંત્રીના ચહેરા તરીકે જાહેર કરીશું. આમ આદમી પાર્ટીમાં જોડાવા પાછળ ઈસુદાન ગઢવીનો મત એવો હતો કે રાજકારણને બદલવા માટે રાજકારણની અંદર ઘૂસવું પડતું હોય છે. ખેડૂતોના પ્રશ્નો હોય કે રોડ, હોસ્પિટલ, સ્કૂલના મુદ્દાઓ વિશે લડવા માટે તેમને રાજકારણની બહાર રહીને કંઈ નહીં થઈ શકે, માટે તેઓ રાજકારણમાં જોડાયા હતા. 


વિવાદોમાં ઈસુદાન 

ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીમાં જોડાયા તેના બાદ પેપર ફૂટવાના બનાવો બન્યા હતા. આ ઘટનાને ધ્યાને લઈ આમ આદમી પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીના ગાંધીનગરના કાર્યાલય કમલમ ખાતે વિરોધ નોંધાવ્યો હતો અને કાર્યાલયમાં ઘૂસી ગયા હતા. ભાજપના કાર્યકર્તાઓ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ એકબીજા સાથે લડાઈ કરી હતી. ભાજપના મહિલા નેતાએ ઈસુદાન ગઢવી પર આક્ષેપ કર્યા હતા કે ઈસુદાન ગઢવી દારૂ પીને આવ્યા હતા. ત્યાર બાદ ઈસુદાન ગઢવીએ પણ પ્રતિક્રિયા આપી હતી કે મેં મારા જીવનમાં હજુ સુધી દારૂ નથી પીધો.



આજે આમ આદમી પાર્ટીએ ખેડૂતપુત્ર અને પૂર્વ પત્રકાર ઈસુદાન ગઢવીને પોતાના મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે જાહેર કર્યા છે. 





ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?