મોરબીમાં બનેલી દુર્ઘટના બાદ અનેક નેતાઓના નિવેદનો સામે આવ્યા છે. જેમાં સત્તા પક્ષ પર તેમણે આકરા પ્રહાર કર્યા છે. આ બધા વચ્ચે આમ આદમી પાર્ટીએ પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલિયાએ આ ઘટનાને લઈ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા સાથે સાથે દુર્ઘટનાને લઈ પોતાની સંવેદના વ્યક્ત કરી હતી.
અરવિંદ કેજરીવાલે કાર્યક્રમો કર્યા રદ્દ
આમ આદમી પાર્ટીએ પત્રકાર પરિષદ કરી કહ્યું કે મૃતકો અને પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા આમ આદમી પાર્ટી આજે કોઈ રાજકીય કાર્યક્રમ નહીં કરે. તેમજ અરવિંદ કેજરીવાલે પણ પોતાના તમામ કાર્યક્રમોને રદ્દ કરી દીધા છે. વધુમાં તેમણે કહ્યું કે મોરબીમાં પુલ તુટવાની જે ઘટના બની છે એમાં મૃતકોને હું શ્રદ્ધાંજલિ પાઠવું છું. દુર્ઘટનામાં ઘાયલ થયેલા તમામ લોકો જલ્દી સાજા થાય તે માટે પ્રાર્થના કરીએ છીએ.
ઈજાગ્રસ્ત લોકો જલ્દી સાજા થાય તેવી પ્રાર્થના
ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે તેવામાં રાજકીય પાર્ટીઓ દ્વારા એક બીજા પર આરોપ-પ્રતિઆરોપ કરવામાં આવતા હોય છે. ત્યારે આમ આદમી પાર્ટીએ આ વખતે આ મુદ્દા પર રાજનીતિ કરવાની ના પાડી છે. આપે કહ્યું કે અમે કોઈ રાજનીતિ કરવા નથી આવ્યા પરંતુ માસુમ બાળકોએ પોતાના માં-બાપ ખોયા છે. તો કોઈએ પોતાના બાળકોને ખોયા છે.