ગુજરાતમાં અનેક વખત પરીક્ષાના પેપર લીક થવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ગઈ કાલે જુનિયર ક્લાર્કનું પેપર લીક થયું હતું જે બાદ અનેક જગ્યાઓ પર ઉમેદવારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પેપર લીકકાંડ બાદ કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના નેતાઓએ નિવેદન આપ્યું હતું. જ્યારે આ મુદ્દા પર ભાજપના નેતા મૌન સાધી રહ્યા છે. સુરતમાં અલ્પેશ કથિરિયાની આગેવાનીમાં આ મુદ્દાને લઈ સુરત જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું.
અલ્પેશ કથિરિયાએ કલેક્ટરને આપ્યું આવેદન
આમ આદમી પાર્ટી સતત એક્શન મોડમાં દેખાઈ રહી છે. સુરતમાં આમ આદમી પાર્ટીના નેતાઓ આક્રામક મૂડમાં દેખાઈ રહ્યા છે. અલ્પેશ કથીરિયાની આગેવાનીમાં આપના કાર્યકર્તાઓ સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. અલ્પેશ કથીરિયાએ કમિટીની રચના કરવામાં આવે તેવી માગ કરી હતી ઉપરાંત આરોપીઓને ફાંસી આપવામાં આવે. તે સિવાય અમદાવાદ, જામનગર, મહેસાણામાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
કોંગ્રેસે આ મુદ્દે કરી હતી પ્રેસ કોન્ફરન્સ
પેપર લીક કાંડ મુદ્દે કોંગ્રેસે પણ પ્રતિક્રિયા આપી હતી. ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, અર્જુન મોઢવાડિયા સહિતના નેતાઓની હાજરીમાં પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જીગ્નેશ મેવાણીએ કહ્યું કે ભરોસાની ભાજપ સરકારે ભરોસાની ભેંસ સમાન 20-22માં પાડો જણ્યો છે.
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે ભગવાન રામને લખ્યો પત્ર
તે સિવાય કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે. પેપર લીક કાંડ મામલનાને ધ્યાનમાં રાખી પ્રતાપ દૂધાતે ભગવાન શ્રીરામને પત્ર લખ્યો છે. પત્ર લખી ભગવાનને કહ્યું કે હવે બચાવી શકો તો ભગવાન શ્રીરામ તમેજ એકજ અમારા યુવાનોને બચાવી શકો છો, આપના મારફત સરકારનું ધ્યાન દોરવામાં આવે તેવી મારી વિનંતી છે.