વિધાનસભાની
ચૂંટણી નજીક આવતા રાજકીય પક્ષો સજ્જ થઈ ગયા છે. અનેક પાર્ટીના વરિષ્ઠ નેતાઓ
ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે છે. અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે
છે, ત્યારે ફરી એક વખત વિવાદ સર્જાયો છે.
વડોદરા ખાતે આપની સભા
ગુજરાત વિધાનસભામાં પહેલી વખત ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટી જોર-શોરથી પ્રચાર કરી રહી છે. અરવિંદ કેજરીવાલ સાથે આ વખતે મનીષ સિસોદીયા પણ ગુજરાતમાં પ્રચાર કરવાના છે. વડોદરા ખાતે તેઓ ચૂંટણી પ્રચાર કરવાના છે. પ્રેસ કોન્ફરન્સ કરી જનતા સુધી તેઓ પોતાની વાત પહોંચાડવાના છે. ઈસુદાન ગઢવીએ ટ્વિટ કરી છે જેના કારણે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.
ભાજપ પર ઈસુદાન ગઢવીના પ્રહાર
ઈસુદાન ગઢવીએ ટ્વિટ કરી ભાજપ પર પ્રહાર કર્યા હતા. પોતાની ટ્વિટમાં તેમણે લખ્યું હતું કે ગુજરાતમાં અત્યાર સુધી ટીવી મીડિયાને ધમકીઓ આપીને અમારા પ્રવક્તાઓને ડિબેટ કરતા અટકાવનાર ભાજપે હવે કેજરીવાલજીનો બરોડામાં કાર્યક્રમ ન થાય તે માટે 13થી વધુ સભા સ્થળના માલિકોને જગ્યા નહીં આપવાની ધમકી આપીને બુકિંગ કેન્સલ કરાવ્યું છે. કેજરીવાલની લોકપ્રિયતાથી ડરી ગયેલી ભાજપ હવે ગુસ્સે ભરાઈ છે. વધુ એક ટ્વિટ કરી તેમણે લખ્યું કે ટીવી મીડિયા વાળા તો સારા છે પરંતુ ભાજપ આમ આદમી પાર્ટીથી એટલી ડરી ગઈ છે કે એમણે સંપૂર્ણ મીડિયા પર કબ્જો કરી દબાવ કરી રહ્યા છે.
અરવિંદ કેજરીવાલે આપ્યો જવાબ
અરવિંદ કેજરીવાલે ઈસુદાન ગઢવીની ટ્વિટ પર રિપ્લાય આપતા કહ્યું કે વિરોધી પક્ષોને આ રીતે કાર્યક્રમો કરતા અટકાવવા યોગ્ય નથી. તમે તમારા પોતાના કાર્યક્રમો કરો, અન્ય તમામ પક્ષોને તેમના કાર્યક્રમ કરવા દો. જીત અને હાર ચાલુ રહે છે. લોકોને આ રીતે ધમકાવવા યોગ્ય નથી.