રખડતા પશુઓનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. રખડતા પશુઓને કારણે અનેક પરિવારે પોતાના સભ્યોને ગુમાવ્યા છે. ત્યારે ફરી એક વખત રખડતા પશુના હુમલાને કારણે ભાવનગરમાં એક યુવકનું મોત નિપજ્યું છે. દિવાળીના સમયે પરિવારના સભ્યનું મોત થતા તહેવારનો આનંદ માતમમાં બદલાઈ ગયો છે. ખરીદી માટે યુવક નીકળ્યો હતો પરંતુ ઘરે તે નહીં પરંતુ તેનો મૃતદેહ આવ્યો.
રખડતા પશુએ લીધો યુવકનો ભોગ
છેલ્લા અનેક સમયથી રખડતા પશુઓની સમસ્યાથી લોકો ત્રસ્ત થઈ ગયા છે. રસ્તા પર રખડતા પશુઓનું સામ્રાજ્ય જોવા મળે છે. રસ્તાની વચ્ચોવચ ગાયોનો મેળાવડો જોવા મળે છે. જેને કારણે રાહદારીઓને પણ જીવનું જોખમ રહેતું હોય છે. દિવાળીના સમયે રખડતા પશુને કારણે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ભાવનગરમાં 48 કલાક દરમિયાન રખડતા ઢોરને કારણે બીજુ મોત નિપજ્યું છે. 28 વર્ષીય યુવાનનું મોત થતા મૃતકના માતા પિતાએ જવાન દિકરાને ગુમાવ્યો છે.
ગાયોને કારણે અનેક પરિવારે ગુમાવ્યા છે પોતાના સભ્ય
અનેક પરિવાર રખડતા પશુઓને કારણે વિખેરાઈ ગયા છે. કોઈએ પોતાનો સંતાન ગુમાવ્યો છે તો કોઈએ પોતાના પિતાને ગુમાવ્યા છે. રખડતા પશુઓથી લોકો ત્રાસી ગયા છે. હવે તો એવી હાલત થઈ ગઈ છે કે રસ્તા પર ગાયો હોય તો પણ લોકોને જવામાં બીક લાગે છે. કારણ કે ગમે ત્યારે ગાય હુમલો કરી શકે છે. રખડતા પશુને કારણે અનેક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. થોડા સમય પહેલા જ ગાયના હુમલાનો શિકાર એક માસુમ બન્યો હતો. પરંતુ સદનસીબે બાળકનો આબાદ બચાવ થયો હતો. આવા તો અનેક કિસ્સાઓ છે જેમાં લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
ક્યાં સુધી તંત્રની ભૂલનો ભોગ સામાન્ય માણસ બનશે?
અદિકારીઓ માટે આ વાત એકદમ સામાન્ય હોઈ શકે. એક-બે વ્યક્તિના મરવાથી કદાચ અધિકારીને ફરક નહીં પડતો હોય પરંતુ તે પરિવારનું તો સર્વસ્વ લૂંટાઈ જતું હોય છે. પરિવાર તંત્રની ભૂલને કારણે પોતાના સભ્યને ગુમાવે છે. ત્યારે સરકારને પૂછવાનું મન થાય કે રખડતા પશુને કારણે કોઈનું મોત થાય તો કોણ જવાબદાર? જવાબદાર અધિકારી ઉપર કોઈ એક્શન લેવાશે?