હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં ઘણો વધારો જોવા મળી રહ્યો છે. નાની ઉંમરે લોકો હાર્ટ એટેકને કારણે મોતને ભેટી રહ્યા છે. ત્યારે મોરબીમાં રહેતો યુવાન ક્રિકેટ રમતા રમતા મોતને ભેટ્યો છે. મળતી માહિતી અનુસાર હળવદના ગ્રામસેવકને ક્રિકેટ રમતા રમતા હાર્ટ એટેક આવતા મોત થયું છે. યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ ત્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આગામી દિવસોમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થવાનું હતું. જેને લઈ પ્રેક્ટિસ મેચ ચાલી રહી હતી. આ દરમિયાન યુવા ક્રિકેટરને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત થયું છે.
ક્રિકેટ રમતા રમતા હાર્ટ એટેક આવતા થયું યુવકનું મોત
છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકને કારણે યુવાનોના જીવ જઈ રહ્યા છે. નાની ઉંમરે હાર્ટ એટેક આવવાને કારણે યુવાનો મોતને ભેટી રહ્યા છે. ત્યારે ફરી એક વખત હાર્ટ એટેકનો ભોગ હળવદનો યુવક બન્યો છે. હળવદનાં માટાપુર ગામમાં રહેતા અશોક કંઝારીયાનું મોત હાર્ટ એટેક આવવાને કારણે થયું છે. ગુજરાત સરકારના પંચાયત ગૃહ ગામ નિર્માણ ગ્રામ વિકાસ દ્વારા આગામી 26થી 31 માર્ચ દરમિયાન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જે માટે પ્રેક્ટિસ ચાલી રહી હતી. તે દરમિયાન છાતીમાં દુખાવો થયો હતો. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પરંતુ તેમનું મોત થઈ ગયું હતું.
હાર્ટ એટેકથી થયા છે અનેક લોકોના મોત
કોરોના કાળ બાદ હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગઈ કાલે દમણથી એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં વાત કરતા કરતા યુવક ઢળી પડ્યો હતો. તે સિવાય અનેક એવી ઘટનાઓ સામે આવી છે જેમાં યોગ કરતા કરતા વ્યક્તિ મોતને ભેટે છે તો કોઈ ડાન્સ કરતા કરતા મોતને ભેટે છે. તે સિવાય સ્પોર્ટસ દરમિયાન પણ અનેક વ્યક્તિ હાર્ટ એટેક આવવાને કારણે કાળનો કોળિયો બની જાય છે. આવનારી મિનિટની અંદર આપણી સાથે શું થશે તે જાણવું મુશ્કેલ બન્યું છે.