ગુજરાતને વિકાસશીલ ગુજરાત કહેવામાં આવે છે. વિકાસલક્ષી કામો કરવા અનેક રસ્તાઓ પર ખાડા ખોડવામાં આવે છે. પરંતુ અનેક વખત આ ખાડાઓ મોતનું કારણ બની જતા હોય છે. રાજકોટમાં બાઈક લઈને જતો યુવક ખુલ્લા ખાડામાં પડતાં તેનું મોત થઈ ગયું છે. આ ઘટનાને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી બેદકરકારીને કારણે આ યુવકનું મોત થયું છે તેવું લોકોનું માનવું છે.
ઘટનાસ્થળે થયું યુવકનું મોત
વરસાદના સમયે ખરાબ રસ્તાને લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. ખરાબ રસ્તાને કારણે અનેક લોકોને ગંભીર ઈજાઓ પણ પહોંચી હતી. ત્યારે હવે તંત્ર દ્વારા કરવામાં આવતા ખાડા માથાનો દુખાવો બન્યા છે. ખોદકામને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. ઉપરાંત અનેક વખત આ ખોદકામ જીવલેણ પણ સાબિત થાય છે. રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર એક અકસ્માત સર્જાયો છે જેમાં ઘટનાસ્થળ પર હર્ષ નામના યુવકનું મોત થયું છે.
ખોદકામ આગળ ન હોતું મૂકવામાં આવ્યું બોર્ડ
ઓવરબ્રિજ નજીક મહાનગર પાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. જેને લઈ ખાડો ખોદવામાં આવ્યો હતો. પરંતુ ડાયવર્ઝન મૂકવામાં ન આવ્યું હતું જેને કારણે અકસ્માત સર્જાયો છે. બાઈક સવાર હર્ષ ખાડામાં પડી ગયો જ્યાં તેમનું મોત થઈ ગયું હતું. ખાડામાં લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું હતું. એકના એક દિકરાનું મોત થતા પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે.
આ ઘટનાને લઈ પોલીસ કરી રહી છે તપાસ
મળતી માહિતી અનુસાર રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર રૈયા ટેલિફોન એક્સચેન્જથી ઈન્દિરા સર્કલ તરફ જતા રસ્તા પર આ ઘટના બની હતી. ઓવરબ્રિજ પર હેવી વાહન ન જાય તે માટે ગડર મૂકવાની કામગીરી કરવામાં આવી રહી છે જેને કારણે ખાડો ખોદવામાં આવ્યો છે. પરંતુ ડાયવર્ઝન મૂકવામાં ન આવતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક ચાલકનું ઘટનાસ્થળે મોત થઈ ગયું હતું. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો અને તે બાદ પોલીસે આ ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે.