ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ અમેરિકાના પ્રવાસે છે. બુધવારે યોગ દિવસ નિમિત્તે આયોજીત કાર્યક્રમમાં સામેલ થયા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનને મળવા વોશિંગટન પહોંચ્યા હતા. વોશિંગટન પહોંચતા તેમનું સ્વાગત ગાર્ડ ઓફ ઓનર આપીને કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનને આવકારવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા. પીએમ મોદી માટે વ્હાઈટ હાઉસમાં જો બાઈડેને પ્રાઈવેટ ડિનર હોસ્ટ કર્યું હતું જેમાં વિવિધ વાનગીઓ રાખવામાં આવી હતી. આ ડિનર પાર્ટીમાં પ્રથમ મહિલા પણ ઉપસ્થિત હતા.
પીએમ મોદી માટે કરાયું ડિનર પાર્ટીનું આયોજન
અમેરિકાના પ્રવાસે આમ તો અનેક વખત પીએમ મોદી ગયા છે પરંતુ આ વખતનો પ્રવાસ ખાસ માનવામાં આવે છે. જ્યારે પીએમ મોદી પહોંચ્યા ત્યારે એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે.મોટી સંખ્યામાં લોકો તેમને આવકારવા ત્યાં ઉપસ્થિત હતા .વિશ્વ યોગ દિવસ નિમિત્તે તેમણે યુએન હેડક્વાટર્સમાં અનેક દેશના પ્રતિનિધીઓ સાથે યોગ કર્યો હતો. તે બાદ અમેરિકી રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરવા વોશિંગટન ડીસી જવા રવાના થયા હતા. જ્યારે પીએમ મોદી એરપોર્ટ પહોંચ્યા ત્યારે તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. જ્યારે તે ત્યાં પહોંચ્યા ત્યારે ભારે વરસાદ થઈ રહ્યો હતો. જેને લઈ પીએમ મોદીએ કહ્યું કે ભગવાન ઈન્દ્રએ આ યાત્રાને વધારે સારી બનાવી દીધી.
જો બાઈડનને પીએમ મોદીએ આપ્યા ખાસ ઉપહાર
તે બાદ પીએમ મોદી વ્હાઈટ હાઉસ પહોંચ્યા જ્યાં તેમના માટે ડિનર પાર્ટી આયોજીત કરવામાં આવી હતી. ડિનર પાર્ટીમાં અમેરિકાના રાષ્ટ્રપતિ તેમજ પ્રથમ મહિલા ઉપસ્થિત હતા. વિવિધ વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી. આ ડિનરમાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને અમેરિકાના એનએસએ જેક સુલિવાન પણ હાજર હતા. પીએમ મોદીએ જો બાઈડેનને અનેક શાનદાર વસ્તુઓની ભેટ આપી છે. સોગાદમાં પંજાબનું ઘી, રાજસ્થાનમાંથી હાથબનાવટનો24 કેરેટનો હોલમાર્ક સોનાનો સિક્કો સહિતની અનેક વસ્તુઓ સામેલ છે. તો સામે જો બાઈડેને પણ પીએમ મોદીને વિન્ટેજ અમેરિકન કેમેરા, અમેરિકન વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી પરનું પુસ્તક સહિતની વસ્તુઓનો સમાવેશ થાય છે.
ડિનર બદલ પીએમ મોદીએ માન્યો આભાર!
આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે હું ખૂબ જ ખુશ હું કે મને અહીં આવતાની સાથે જ ઘણા યુવા અને સર્જનાત્મક લોકો સાથે જોડાવવાનો મોકો મળ્યો. જિલ બાઈડેન આટલા વ્યસ્ત હોવા છતાં આ કાર્યક્રમનું આયોજન કર્યું, તેના માટે હું આભારી છું. ડિનર બાદ પીએમ મોદીએ ટ્વિટ કર્યું કે વ્હાઈટ હાઉસમાં મારૂં સ્વાગત કરવા બદલ યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન અને પ્રથમ મહિલા જિલ બાઈડનનો આભારી છું. અમે અનેક વિષયો પર વાતચીત કરી. મહત્વનું છે કે પીએમ મોદી આજે અમેરિકી કોંગ્રેસને સંબોધિત કરશે. અને તે બાદ જો બાઈડેન સાથે દ્વિપક્ષીય બેઠક કરશે.