વરસાદી માહોલ ગુજરાતમાં જામ્યો છે. ઠેર ઠેર વરસાદના દ્રશ્યો સામે આવતા હોય છે. વરસાદને કારણે અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા છે, અનેક બ્રિજો તેમજ રસ્તાઓ વરસાદને કારણે તૂટી પણ ગયા છે. અનેક લોકો વરસાદને એન્જોય કરતા હોય છે તો કોઈ માટે આ વરસાદ મુસીબત લઈને આવતું હોય છે. વરસાદી પાણી ભરાઈ જવાને કારણે જન જીવન અસ્ત વ્યસ્ત થઈ જતું હોય છે. અનેક જગ્યાઓથી વરસાદને કારણે નયનરમ્યો દ્રશ્યો સર્જાયા છે તો અનેક જગ્યા પર વરસાદ વિનાશકારી સાબિત થયો છે. ત્યારે વલસાડથી એક ઘટના સામે આવી છે જેમાં વરસાદી પાણીના પ્રવાહ વચ્ચે અંતિમયાત્રા નિકાળવા લોકો મજબૂર બન્યા હતા.
Valsadના કાકડમટી ગામમાં પુલના અભાવે ધસમસતા પાણીમાં નીકાળવી પડી અંતિમયાત્રા #valsad #dharampur #viralvideos #gujarat #monsoonproblems #jamawat #jamawatupdate pic.twitter.com/PvKL3l3X7V
— Jamawat (@Jamawat3) July 9, 2023
એમ્બ્યુલન્સ અટવાઈ જતા ગયો હતો વૃદ્ધાનો જીવ
અનેક જગ્યાઓથી એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં ગર્ભવતી મહિલાને પલંગ પર બેસાડી બીજા સ્થળ પર ખસેડવામાં આવી હતી. તે સિવાય પણ એવા અનેક દ્રશ્યો સામે આવ્યા હતા જેમાં રેસ્ક્યુ કરી લોકોનો જીવ બચાવવો પડતો હતો. થોડા દિવસો પહેલા સુરેન્દ્રનગરમાં પાણી ભરાઈ જવાને કારણે એમ્બ્યુલન્સ ટાઈમ પર ન પહોંચી શકી હતી જેને લઈ વૃદ્ધાનો જીવ જતો રહ્યો હતો. એ સિવાય પણ આવા દ્રશ્યો સામે આવ્યા હતા જેમાં લોકોનું દિલધકડ રેસ્ક્યુ કરાયું હતું.
અંતિમસંસ્કાર કરવા માટે પરિવારજનોએ કરવો પડે છે સંઘર્ષ
વરસાદના ધસમસતા પ્રવાહ વચ્ચે મૃતકના અંતિમ સંસ્કાર કરવા જતા લોકોની તસવીરો સામે આવી હતી. અંતિમયાત્રાના જે દ્રશ્યો સામે આવ્યા છે તે વલસાડ તાલુકાના કાકડમટી ગામના છે. અંતિમ યાત્રા કરવા માટે લોકોને અગ્નિ પરીક્ષા આપવી પડી રહી છે. વરસાદની સિઝનમાં પાણી ભરાઈ જવાને કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવતો હોય છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર પુલના અભાવે દર ચોમાસે જ્યારે કોઈના અંતિમસંસ્કાર કરવા જવું હોય ત્યારે આવા ધસમસતા પાણીના પ્રવાહમાંથી પસાર થવું પડે છે. પુલ બનાવામાં આવે તે માટે સ્થાનિક લોકો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે પરંતુ હજી સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. જો ચોમાસાની સિઝનમાં કોઈનું મોત થાય છે તો અંતિમસંસ્કાર કરવા માટે તેમણે આ રસ્તા પરથી પસાર થવું પડે છે.
પુલ બનાવવા માટે અનેક વખત કરાઈ છે રજૂઆત
જે જગ્યાની વાત થઈ રહી છે તે ગામમાં સ્મશાનગૃહ નદીના પેલે છેડે આવેલું છે. નદી ઓળંગીને બીજા કિનારે પહોંચવા માટે લોકોએ સંઘર્ષ કરવો પડે છે. સ્થાનિકોનું કહેવું છે કે જો પુલનું નિર્માણ કરવામાં આવે તો જીવના જોખમે અંતિમયાત્રા નિકાળવી ન પડે. નદીમાંથી પસાર થઈ મૃતકના પરિવારજનો પોતાના સ્વજનને અંતિમવિદાય આપે છે.