અમદાવાદમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ગુજરાતમાં પણ છેલ્લા બે-ત્રણ દિવસથી મેઘમહેર જોવા મળી રહી છે. વરસાદને કારણે અનેક બિલ્ડીંગો તેમજ દિવાલો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવતી હોય છે. જર્જરિત ઈમારતો વરસાદ આવવાને કારણે તૂટી પડતી હોય છે. ત્યારે અમદાવાદના મણિનરમાં દુર્ઘટના સર્જાઈ છે જેમાં બે મકાનોની બાલ્કનીનો ભાગ તૂટી પડ્યો છે. ઉત્તમ નગર વિસ્તારમાં આવેલા જૂના સ્લમ ક્વાર્ટરના બે મકાનની બાલ્કનીનો ભાગ વહેલા સવારે પડી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઈટરની ટીમ ત્યાં આવી પહોંચી હતી અને ઘરમાં હાજર લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
ગેલેરીનો ભાગ તૂટી પડતાં ઘરની અંદર ફસાયા લોકો
વરસાદની શરૂઆત થતાં જ અનેક જગ્યાઓ પરથી વીજ પોલ તેમજ વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવતી રહે છે. તો કોઈ જગ્યાએથી બિલ્ડિંગનો સ્લેબ તૂટી જવાની ઘટના બનતી હોય છે. ત્યારે અમદાવાદના મણિનગરમાં પણ દુર્ઘટના સર્જાઈ છે. ઉત્તમનગર પાસે આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના જુના સ્લમ ક્વાર્ટર્સની બ્લોકની ગેલેરીનો ભાગ પહેલા થોડો પડ્યો જેની પર લોકોએ ધ્યાન આપ્યું ન હતું, તે બાદ આખી ગેલેરીનો પોર્શન તૂટી પડ્યો હતો. જેને લઈ અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. બીજા અને ત્રીજા માળે રહેતા લોકોને ઘરની બહાર કાઢવામાં આવ્યા હતા. પાછળના ભાગેથી બારીમાંથી લોકોનું રેસ્ક્યુ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં હજી સુધી જાનહાની થઈ હોય તેવા સમાચાર સામે આવ્યા નથી. આ ઘટના વહેલી સવારે બની હતી.