યમનની રાજધાની સનામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં 80થી વધુ લોકોના મોત થયા છે તેમજ અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હાલ રમઝાન મહિનો ચાલી રહ્યો છે. ત્યારે યમનની રાજધાની સનામાં રમઝાન મહિના માટે નાણાકીય સહાયનું વિતરણ કરવામાં માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર આ કાર્યક્રમમાં નાસભાગ થઈ હતી જેમાં 80 જેટલા લોકોના મોત થયા છે જ્યારે 300થી વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે તેમાંથી 13 જેટલા લોકોની હાલત નાજુક છે.
સ્થાનિક વહીવટીતંત્રની સહાય વિના આ કાર્યક્રમનું કરાયું હતું આયોજન!
રમઝાન મહિનાના છેલ્લા દિવસે નાણાકીય સહાયનું વિતરણ કરવામાં આવતું હોય છે. બુધવારે મોડી રાત્રે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આર્થિક સહાયના વિતરણ દરમિયાન નાસભાગ મચી હતી જેને કારણે 85 જેટલા લોકોના મોત થયા છે. જ્યારે 330થી વધારે લોકો ઘાયલ થયા છે. આ મામલે હૂતિ સેનાના ગૃહમંત્રાલયનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે કહ્યું કે આ કાર્યક્રમ સ્થાનિક વહીવટીતંત્રની મદદ વિના આયોજીત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું આયોજન ત્યાંના સ્થાનિક વેપારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. સત્તાવાળાઓ સાથે સંકલન વિના અયોગ્ય રીતે નાણાકીય સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.
લોકો ગભરાઈને આમ તેમ નાસવા લાગ્યા!
આ ભીડને કાબુમાં લેવા હવામાં ગોળીબાર કર્યો હતો, જેના કારણે પાવર લાઈનમાં વિસ્ફોટ થયો હતો. આ બ્લાસ્ટ થવાને કારણે ત્યાં હાજર લોકો ડરી ગયા હતા અને આમ-તેમ ભાગવા લાગ્યા હતા. નાસભાગ થવાને કારણે લોકો એકબીજાને અથડાતા ગયા અને એકબીજાને કચડતા ગયા. જેને કારણે આ દુર્ઘટના સર્જાઈ છે.